- અધ્યાપક સહાયકોની ભરતી માટે ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ ડો. બારોટે શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી
- મેરીટ તૈયાર થઈ ગયા બાદ એક વર્ષ આવશે છતા હજારો અધ્યાપક સહાયકના ઉમેદવારો નિરાશા સાથે ભરતીની રાહમાં બેઠા છે
લગભગ 3 વર્ષથી અધ્યાપક સહાયકોની ભરતી થવાની છે તેમ માનીને ગુજરાતના હજારો યુવાનો શિક્ષણ વિભાગ સામે નજર માંડીને બેઠા છે . આવી જાહેરાત બાદ 27/11/2020 એ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ધ્વારા ગુજરાતના અધ્યાપક સહાયકોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી હતી . આમ આ પ્રક્રિયાને વિદ્યાર્થીઓએ અરજી કરવાની શરૂ કરી તે વાતને પણ અઢી વર્ષ પૂરા થયા છે . આમ છતાં હજુ યુવાનો અઘ્યાપક સહાયકની નોકરી માટે રાહ જોઈને બેઠા છે .
ત્યારબાદ 1 જુલાઈ 2021 ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા ખાલીજગ્યાઓ અને કેટેગરી જાહેર કરવામાં આવી . આ વાતને પણ આઠ મહિનાથી વધુ સમય થઈ ગયો . ત્યારબાદ માર્ચ 2021 થી એક મહિના માટે અરજી કરેલા ઉમેદવારોને ગાંધીનગર રૂબરૂ બોલાવી તેઓના શૈક્ષણિક લાયકાતો અને અનુભવના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી . આ ચકાસણી પૂરી થયે પણ એક વર્ષ થયું છે આમ છતાં હજી અધ્યાપક સહાયકના ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે. આ બાબતે ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ ડો. નિદત બારોટે શિક્ષણમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે.
એક મહિના પહેલા એટલે કે 8 એપ્રિલના રોજ ગુજરાતની તમામ અનુદાનિત કોલેજના આચાર્યોને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરના કાર્યાલય દ્વારા કે.સી.જી. માં બોલાવવામાં આવ્યા હતા . આ બેઠકમાં સવારની સેશન અને બપોરની સેશન એમ ભાગ પાડીને અંદાજે 400 જેટલા કોલેજના આચાર્યો / કાર્યકારી આચાર્યો પોતાના ખર્ચે ઉપસ્થિત રહયા હતા . આચાર્યશ્રીઓ અને કોલેજોએ ભોગવેલો આ ખર્ચ અંદાજિત 15 થી 20 લાખ જેટલો થયો હશે .
આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરના પ્રતિનિધિઓએ આપેલી માહિતી અનુસાર અધ્યાપક સહાયકોના ઈન્ટરવ્યુ તાત્કાલિક શરૂ થવાના હતા . આચાર્યશ્રીઓને જણાવવામાં આવ્યું હતું કે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે . ઈન્ટરવ્યુ માટે કમિશ્નર કાર્યાલય સજજ છે અને નવું સત્ર શરૂ થાય તે પહેલાં અધ્યાપક સહાયકના ઈન્ટરવ્યુ ગોઠવવાના હોય સંચાલક મંડળના હોદેદારો , આચાર્યો , જે તે કોલેજના ભવનન અધ્યક્ષો અને વિષય નિષ્ઠાંતો ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહે તેવી તૈયારી રાખવી .
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીના કાર્યાલયના ભરોશે કોલેજના સંચાલકો , આચાર્યો અને ઈન્ટરવ્યુની પસંદગી સમિતિમાં ઉપસ્થિત રહેનાર પ્રતિનિધિઓ વેકેશનના પોતાના કાર્યક્રમો અટકાવીને પણ ભરતી થઈ જશે તેવી આશાએ રાહ જોઈને બેઠા હતા . 1 મહિનો થવા છતાં હજુ સુધી અધ્યાપક સહાયકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ નથી અને છેલ્લા 3 વર્ષથી અઘ્યાપક સહાયકની ઈન્ટરવ્યુની રાહ જોતા ઉમેદવારો હજુ પણ દુ:ખી થઈને રાહ જોઈ રહયા છે.
ગુજરાતના વિધાર્થીઓને કોલેજમાં નવા સત્રથી અધ્યાપકો પૂરા મળે અને તે માટે તાત્કાલિક અધ્યાપક સહાયકોના ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.