અલગ-અલગ રોડની સાઇટ વિઝીટ કરતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા
ચોમાસા પહેલા શહેરમાં ચાલતા રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કામો તાત્કાલિક પૂર્ણ કરવા અને શહેરીજનોને રસ્તાની સારી સુવિધા મળી રહે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા દિવસરાત કામગીરી કરી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ હાલ શહેરમાં ચાલુ રોડ ડેવલપમેન્ટની કામગીરી નિહાળી હતી અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.
મ્યુનિ. કમિશનરે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અંદાજિત રૂ. 3.6 કરોડના ખર્ચે બની રહેલ 24 મીટર રોડ, અંદાજિત રૂ. 2.13 કરોડના ખર્ચે બની ગયેલ 18 મીટર કોકોનટ કાઉન્ટી પાસેના બે રોડ, અંદાજિત રૂ. 5.01 કરોડના ખર્ચે બની રહેલ 24 મીટર પુનીતનગર મેઈન રોડ અને અંદાજિત રૂ. 1.98 કરોડના ખર્ચે બની રહેલ 24 મીટર વાવડી કાંગશિયાળી રોડ ખાતેની રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલુ કામગીરી નિહાળી હતી.
કોકોનટ કાઉન્ટી પાસેના 18 મીટરના બે રોડની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને અન્ય ત્રણ રોડની કામગીરી શરૂ કર્યા પહેલા મ્યુનિ. કમિશનરે સ્થળ મુલાકાત કરી હતી. તમામ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. આઈ. યુ. વસાવા, ડાભી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.