- બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતાં તેના રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 નવેમ્બરે બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગરિમામય ઉજવણીમાં આહવાન કર્યું કે, બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરિના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ દિવસની ગરિમામય ઉજવણી અન્વયે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવઓ સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે એટલું જ નહીં, નાગરિક ધર્મ નિભાવવામાં આ બંધારણ આપણા સૌનું પથદર્શન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જનહિતના કોઈપણ કામ માટે ફ્રી હેન્ડ એ આપણા બંધારણનું હાર્દ છે ઉપરાંત ‘વી ધ પીપલથી’ શરૂ થતું બંધારણ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના પણ સાકાર કરનારૂં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડો.બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્શી, હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બંધારણે ભારતને ગુલામીના લાંબા અંધકાર બાદ પહેલી વખત સાર્વભૌમત્વની સવારનું કિરણ દેખાડ્યું હતું.
આ પ્રસંગે સ્કૂલ ઓફ લોના નિવૃત્ત નિયામક એન. કે. પાઠકે ભારતના બંધારણ અંગે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે, ભારતના દરેક નાગરિકને સમાન રીતે એકસૂત્રતામાં બાંધી રાખે તેનું નામ બંધારણ. આ જ ભારતના બંધારણની મુખ્ય લાક્ષણીકતા છે. દેશની આઝાદી બાદ અનેક સમસ્યાઓ આવી, પરંતુ આ દરેક સમસ્યામાં નાગરિકોને આપણા બંધારણે બાંધી રાખ્યા. આશરે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં નિર્માણ પામેલું ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથું મોટું અને લાંબુ બંધારણ છે. જેમાં 395 આર્ટીકલ, 22 ચેપ્ટર અને 12 શેડ્યુલ ઉપલબ્ધ છે. સંપૂર્ણ બંધારણનો હાર્દ ન્યાય છે, અધિકાર નથી, તેમ
જણાવી શ્રી પાઠકે ઉમેર્યું હતું કે, બંધારણ ભારતનો સૌથી પાયાનો દસ્તાવેજ છે.
બંધારણના ઘડવૈયાઓને સંપૂર્ણ બંધારણ ઘડ્યા બાદ વિચાર આવ્યો તેમજ સામાન્ય નાગરીકો પણ બંધારણને ટૂંકમાં અને સરળતાથી સમજી શકે તે માટે આ સંપૂર્ણ બંધારણનો સાર આમુખમાં પ્રતિબિંબીત કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અગાઉ બંધારણ દિવસની ઉજવણી રૂપે યુવાશક્તિને રાષ્ટ્રહિત સ્વાભિમાન માટે પ્રેરિત કરી હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન સુત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી આદર વ્યક્ત કર્યો હતો તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનું લોન્ચિંગ પણ કર્યું હતું.