પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ: રવિવારના રોજ દરેક ડીઇઓ કચેરી, ઝોનલ અને પરીક્ષા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
સોમવારે ધો.૧૦ માં ગુજરાતી અને ધો.૧રમાં સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વો તેમજ સાયન્સ પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. હાલમાં રાજકોટ જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરના તમામ જીલ્લામાં પરિક્ષાની તમામ તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. આજે અને આવતીકાલે રવિવારના રોજ પણ દરેક ડી.ઇ.ઓ. કચેરી, ઝોનલ અને પરીક્ષા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
બીજી તરફ ધો.૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના રાજકોટ શહેર તેમજ જીલ્લા માટેના પેપરો રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે આવી ગયા છે. કરણસિંહજી હાઇસ્કુલ ખાતેનો કંટ્રોલ રુમ આજથી ધમધમતો બન્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના સાત જીલ્લામાં ધો.૧૦ના પ્રશ્ર્નપત્રો જે ચાર દિવસ અગાઉ રાજકોટની ચૌધરી હાઇસ્કુલ ખાતે આવી ગયા હતા. ગઇકાલે સૌરાષ્ટ્રના સાત જીલ્લાઓમાં વિતરણ કરવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું.
રાજકોટની ચૌધરી હાઇસ્કુલમાં ધો.૧૦ના પ્રશ્ર્નપત્રો તમામ વિષયના એસ.ટી. મારફતે રવાના કરવા આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના તમામ કેન્દ્રો પર રવિવારે પેપર પહોચાડી દેવામાં આવશે. સૌ પ્રથમ જીલ્લાના તમામ કેન્દ્રો ઉપર અને ત્યાંથી શાળામાં પેપર રવાના થશે. જયારે ધો.૧રના પ્રશ્ર્નપત્રો અને ઉતરવહી રવિવારે તૈયાર કરી દરેક પરીક્ષાના ઝોનલ કેન્દ્રો પર મોકલી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સોમવારથી બોર્ડની પરીક્ષા ચાલુ થઇ રહી છે ત્યારે ધો.૧૦માં સોમવારે ગુજરાતી ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નામાંના મુળતત્વો જયારે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરના બધા જ કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. બધા જ કેન્દ્રો આજથી ધમધમતા બન્યા છે અને વિઘાર્થીઓ પણ પરીક્ષાને લઇને સંપૂર્ણ તૈયારી કરી આતુરતા બતાવી રહ્યા છે.
કાલે શાળામાં પરીક્ષા નંબર જોવા માટે ખાસ વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે ધોરણ ૧૦ નું અને બપોરે ૩ કલાકે ધોરણ ૧રનું પેપર લેવાનું હોવાથી વિઘાર્થીઓને કાલે શહેરની તમામ શાળાઓમાં કયા બ્લોકમાં નંબર આવ્યો છે તે જોઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે રાજકોટ શહેર અને જીલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રો સવારે ૧૧ થી ૪ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અને વિઘાર્થીઓને પરીક્ષા ટાંકણ નંબર ગોતવામાં મુશ્કેલી ન પડે તે માટે બ્લોક નંબર જોવા વ્યવસ્થા ઉભી કરાઇ છે.