સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારી, પાયાના કાર્યકરો તથા જનમિત્રો દ્વારા આવેદન પત્ર પાઠવીને જણાવીએ છીએ કે ઝાલાવાડની અંદાજીત સતર લાખ જેટલી વસ્તીએ ખોબલે ખોબલે મત આપીને ભાજપના સાંસદ દેવજીભાઈ ફતેપરાને ૨૦૧૪માં જીલ્લાના સર્વાંગી વિકાસ માટે ચુંટવામાં આવ્યા છે પરંતુ ચાર વર્ષ જેવો સમય પસાર થયો હોવા છતાં સુરેન્દ્રનગર જીલ્લાનો કોઈ પ્રકારનો વિકાસ થયેલ નથી અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી ગ્રાન્ટોનો સદઉપયોગ કે વિકાસના કામમાં વપરાયેલ નથી ત્યારે આ સાંસદ ગુમ થયા હોવાનું જણાવી કોંગ્રેસ સમિતએ તેને શોધી કાઢવા પોલીસ ઈન્સ્પેકટરને આવેદન પાઠવ્યું હતું.
રજુઆતમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ સભ્ય દેવજીભાઈ ફતેપરાને ભાજપ પાર્ટીએ કોંગ્રેસમાંથી ઉછીના લીધા હતા અને ભાજપ સાંસદની ટીકીટ આપી અને લોકોએ તેઓને વિજય બનાવેલા ત્યારથી આજદિન સુધી સાંસદ ઝાલાવાડની પ્રજાને દર્શન દીધા નથી અને તેઓનું રહેણાંક પણ જીલ્લા બહાર રાજકોટમાં હોય પ્રજાને પ્રશ્ર્નો માટે કયાં જવું તે મુજવણનો વિષય છે. કેન્દ્રની ભાજપ સરકારે તમામ સાંસદને પોતાના જીલ્લામાં આવેલ કોઈપણ એક અણવિકસીત ગામને દતક લઈ સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા આદેશ કરેલ તે બાબતે સાંસદ દેવજી ફતેપરાએ પાટડી તાલુકાના ફતેપુરા ગામને દતક લીધેલ પરંતુ આજદિન સુધી આ ગામનો વિકાસ શૂન્ય છે જે ઘણી ગંભીર બાબત ગણી શકાય.
સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ સભ્ય દેવજીભાઈ ફતેપરાએ પ્રજા પ્રશ્ર્ને હરતુ ફરતુ મોબાઈલ કાર્યાલય ચાલુ કરેલ તે કાર્યાલયને પ્રજાજનો શોધે છે. કોંગ્રેસના તમામ જનમિત્રોએ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને જણાવીએ છીએ કે કોઈપણ પોલીસ અમારા દેવજીભાઈ ફતેપરાને શોધી લાવનારને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ૧૫ લાખ રૂપિયા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમ ગીરીરાજસિંહ ઝાલા અને સુબોધ જોષીએ જણાવ્યું હતું.