ધૃણાસ્પદ ગુનાઓની સમાજ પર ઘેરી અસર થતી હોવાથી બારોબાર સમાધાન થાય તો પણ કેસ તો ચાલે જ: સુપ્રીમ કોર્ટ
દુષ્કૃત્ય, હત્યા, લૂંટ અને નાણાકીય છેતરપિંડી સહિતના ધૃણાસ્પદ ગુનામાં બન્ને પક્ષો બારોબાર સમાધાન કરી લે તો પણ કેસ રદ્દ ન થાય તેવું વડી અદાલતનું કહેવું છે. આવા ગુનાઓની સમાજ ઉપર ગંભીર અસર થતી હોવાનું વડી અદાલતે નોંધ્યું છે.
ચિફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ એ.એમ.ખાનવીલકર તથા ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે આ મામલે કહ્યું હતું કે, બળાત્કાર, હત્યા, લૂંટ અને નાણાકીય છેતરપિંડી સહિતના ધૃણાસ્પદ અને સંગીન ગુનામાં પીડીત કે પીડીતનો પરિવાર બારોબાર સમાધાન કરી લે તે યોગ્ય ન કહેવાય. આવા કિસ્સામાં કોર્ટ સુનાવણી આગળ ચલાવી શકે.
આ કેસમાં ગુજરાતના ચાર વ્યક્તિઓએ બોગસ દસ્તાવેજ કરી જમીન ઉપર દબાણ કર્યા મુદ્દે કોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા અપીલ કરી હતી. અરજકર્તાઓએ આ મુદ્દે બારોબાર સમાધાન થયું હોવાની દલીલ કરી હતી. જો કે, આ મામલો વડી અદાલતમાં પહોંચતા વડી અદાલતે આવા કિસ્સામાં કોર્ટને કાર્યવાહી આગળ ચલાવી શકાય તેવો નિર્દેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, બળાત્કાર, હત્યા, લૂંટ અને નાણાકીય છેતરપિંડી જેવા ધૃણાસ્પદ અને સંગીન ગુનાઓની સમાજ ઉપર ઘેરી અસરો પડે છે. માટે જયારે બન્ને પક્ષો બારોબાર સમાધાન કરી લે તો પણ તેની અસર સમાજ ઉપર રહેતી હોય છે. આવા કિસ્સા માત્ર ખાનગી હિતમાં રહેતા નથી. આ જાહેર હિતનો મામલો બની જતો હોય છે. જેથી માત્ર અંદરો અંદર સમાધાન કરી લેવાથી ન્યાય સંગત મામલો બનતો નથી.