સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૧૦ ભવનોનાં વડાઓનાં નામે તેના સ્ટાફ અને સ્વજનોને ફેક ઈ-મેઈલ ગઈકાલે કરવામાં આવ્યા હતા. આ મુદ્દે સમગ્ર યુનિવર્સિટીમાં અનેક અટકળો ચાલી રહી છે ત્યારે આજરોજ યુનિવર્સિટી દ્વારા ૧૦ ભવનોનાં હેડનાં નામે ફેક ઈ-મેઈલ થતા હોવાનું સામે આવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવશે ત્યારબાદ જરૂર પડયે એફએસએલને રીપોર્ટ સોંપવામાં આવશે.
મળતી માહિતી મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૦ ભવનોનાં હેડને કોઈ ફેક ઈ-મેઈલ મોકલવાની ઘટના સામે આવી હતી જોકે મહત્વની વાત એ છે કે, ઈ-મેઈલ જુદા-જુદા છે પરંતુ તમામ હેડનાં પુરા નામ સાથે સંદેશા પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભવનનાં અધ્યાપકોને પણ ઈ-મેઈલ કરવામાં આવ્યા છે જોકે અઘ્યાપકો દ્વારા મેઈલનો રીપ્લાય આપવાનાં બદલે ભવનનાં અધ્યક્ષને જાણ કરતા મેઈલ આઈડી ફેક હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન ભવનનાં હેડનાં નામે મેઈલ આવી રહ્યા છે. તેમજ આ સમગ્ર મુદ્દે હાલ કોઈ ભેજાબાજોએ તેવું સામે આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જે-તે ભવનનાં અઘ્યાપકો દ્વારા મેઈલ આઈડી મેળવીને ભવનનાં અધ્યક્ષ નામે ફેક ઈ-મેઈલ કર્યા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
૧૦ ભવનનાં અધ્યક્ષનાં નામે ફેક ઈ-મેઈલ આઈડી બનાવી તેના સ્ટાફ અને સ્વજનોને પણ આ પ્રકારે મેઈલ પહોંચ્યો હતો જેમાં ઈલેકટ્રીક ભવનનાં હેડ હરેશ પંડયા, ફિઝીકસ ભવનનાં હેડ નિહીર જોશી, નેનો સાયન્સ ભવનનાં હેડ ડી.ડી.કુબેરકર, આંકડાશાસ્ત્ર ભવનનાં હેડ ગીરીશ ભીમાણી, એમ.બી.એ. ભવનનાં હેડ સંજય ભાયાણી, ફિઝીકલ એજયુકેશનનાં હેડ ભરત રામાનુજ, બાયોટેકનોલોજીનાં હેડ રમેશ કોઠારી, અંગ્રેજી ભવનનાં હેડ ડો.સંજય મુખરજી અને મનોવૈજ્ઞાનિક ભવનનાં હેડ યોગેશ જોગસનનાં નામે ફેક ઈ-મેઈલ આઈડી બનાવવામાં આવ્યા અને તેનાં જ ભવનનાં અઘ્યાપકોને મને મદદ કરોનાં નામે મેઈલ પહોંચાડયા જોકે આ સમગ્ર મામલે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું.