હરીફ ઉમેદવારે ભોપાળુ છતુ કરી સંબંધીત ચૂંટણી તંત્ર અને જિલ્લા કલેકટરને લેખીત ફરિયાદ કરી

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું પદ મેળવવા ચૂંટણી જંગમાં ઉતરેલા ઉમેદવારે ચાર ચાર બાળકો હોવા છતાં ચૂંટણી પંચની જોગવાઈ મુજબ 2005 પછી સંતાનનો જન્મ થયો ન હોવો જોઈએ પણ સરપંચ બનવાની લ્હાયમાં નિયમોનો ઉલ્લાળિયો કરી છેલ્લા એટલે કે ચોથા બાળકની જન્મ તારીખમાં ચેડા કર્યા હોવાનો આક્ષેપ હરીફ ઉમેદવારે સબંધિત ચૂંટણી અધિકારી અને કલેકટરને લેખિત ફરિયાદ કરતા મામલો ગરમાયો છે.

જાણવા મળતી વિગત મુજબ આગામી તા. 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત મોરબી તાલુકાની ગ્રામ પંચાયત માટે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતીભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા ઉમેદવારી પત્રમાં ચાર સંતાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમના ચોથા નંબરના પુત્ર જયરાજ્ભાઇનો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું છે જે ખોટું હોવાનું તેમના હરીફ સરપંચ પદના ઉમેદવાર જશુબેન પરષોત્તમભાઈ સબરીયાએ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત કચેરીના સંબંધિત અધિકારી સમક્ષ લેખિત રજુઆતમાં જણાવ્યું છે

વધુ વિગતમાં જણાવવામાં આવ્યું છે કે ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતીભાઈ વરાણીયાને કુલ ચાર સંતાનો છે તેમજ તે અન્વયે એક બાળકનો  જન્મ સને 2005ની સાલ બાદ થયેલ હોવાનું જણાવી ગુજરાત પંચાયત એક્ટ 1993ની કલામ 30(ખ) મુજબ જો કોઈ વ્યક્તિને બે કરતા વધારે બાળકો હોય તો તે પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ગેરલાયક ઠરશે પરંતુ જો કોઈ વ્યક્તિને બે કરતા વધારે બાળકો તારીખ 04/08/2005 પહેલાના હશે તો તે ગેરલાયક ગણાશે નહિ.આ સંજોગોમાં સરપંચ પદની ઉમેદવારી ફોર્મમાં ખોટી હકીકત દર્શાવેલ હોવાથી તંત્રને ગેરમાર્ગે દોરી પુરાવાઓ સાથે ચેડાં કર્યાનો આરોપ હરીફ ઉમેદવારે સંબંધિત અધિકારીઓને લેખિત ફરિયાદ કરતા મહિલા ગરમાયો છે, ત્યારે આ ચકચારી ચેડાં પ્રકરણમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ એ જોવું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.