- જામનગરમાં એક કારખાનેદાર સાથે શેડનું વેચાણ કરવાના મામલે રૂપિયા 35 લાખની છેતરપિંડીની ફરિયાદ
- શેડધારક દ્વારા અગાઉ પોતાની પાસે ગેરકાયદે વ્યાજ ઉઘરાવ્યા ની કારખાનેદાર સામે ખોટી ફરિયાદ નોંધાવી ફિનાઈલ પીવાનું નાટક પણ કરેલું હતું
- શેડ ઉપરની બેંક લોન ચૂકવવા કારખાનેદાર પાસેથી 35 લાખની રકમ મેળવી આરોપી બેંગકોક ભાગી છૂટ્યો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
Jamnagar : એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂપિયા 55 લાખમાં સોદો કર્યા પછી 35 લાખ જેવી રકમ ચૂકવી દેતાં શેઠ ધારકે પૈસા લઈ જઈ દસ્તાવેજ નહીં કરી આપી બેંગકોક ભાગી છૂટ્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. તેમજ અગાઉ શેડધારકે કારખાનેદાર સામે વ્યાજખોરીની ખોટી ફરિયાદ નોંધાવી ઝેર પીવાનું નાટક પણ કર્યું હતું, જો કે જે તે વખતે પોલીસે ઉપરોક્ત ફરિયાદના સંદર્ભમાં આરોપી સામે ખોટી ફરિયાદ અંગેનો બી. સમરી રિપોર્ટ કરાયો છે.
આ ચકચાર જનક પોલીસ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા અને બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા સુખદેવસિંહ જાડેજા નામના કારખાનેદારે પોતાની સાથે શેડ ખરીદવાના મામલે રૂપિયા ૩૫ લાખ ની છેતરપીંડી કરવા અંગે જામનગરના ગોકુલ નગરમાં રહેતા મહેશ ભુપતભાઈ ફલિયા સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપી હાલ બેંગકોક ભાગી છૂટ્યો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. જેને ભારત લાવવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુખદેવસિંહ જાડેજાએ આરોપી મહેશ ફલીયા પાસેથી તેનો ઉદ્યોગના વિસ્તારમાં આવેલો સેડ ૫૫ લાખ રૂપિયામાં ખરીદ કરવા માટેનો સોદો કર્યો હતો, જેના પેપર તૈયાર કરાયા હતા, અને કટકે કટકે 35 લાખ જેવી રકમ આપી દીધી હતી. જેના અલગથી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત આરોપીએ ઉપર 25 લાખની લોન ચડત હોવાથી તે લોન ભરપાઈ કરવા ના બહાને કારખાનેદાર પાસેથી પૈસા મેળવી લીધા પછી બેંક લોન ભરપાઈ કરી ન હતી કે સેડના વેચાણના દસ્તાવેજ કે અન્ય કોઈ કરાર કરીને આપ્યા ન હતા. તેમજ આખરે સુખદેવ સિંહ જાડેજા દ્વારા સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને PSI આર.ડી ગોહીલે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી મહેશ ફલીયા સામે IPS કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે. જોકે હાલ આરોપી બેંગકોક છેલ્લા આઠેક દિવસથી ભાગી છૂટ્યો હોવાથી તેને ભારત લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
પોલીસની પૂછપરછ દરમિયાન અગાઉ પૈસા ન આપવા માટે ફરિયાદી સુખદેવ સિંહ જાડેજા સામે આરોપી મહેશ ફલીયાએ ચાર મહિના પહેલા વ્યાજ વટાવ અંગેની ખોટી ફરિયાદ નોંધાવી હતી, અને તેના ત્રાસના કારણે પોતે ફિનાઈલ પીધું છે, તેવું નાટક પણ કર્યું હતું. અને એક દિવસ ની જી.જી હોસ્પિટલમાં સારવાર પણ મેળવી હતી. જે અંગે સીટી સી. ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો.
જો કે પોલીસની તપાસ દરમિયાન આ ફરિયાદ ખોટી હોવાથી સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ આર.ડી. ગોહિલ દ્વારા આ ફરિયાદના બનાવવામાં બી. સમરી ભરવામાં આવી છે અને ફરિયાદ ખોટી હોવાનો ઉલ્લેખ અને પુરાવાઓ એઇત્ર કરીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જે કેસ હાલ અદાલતમાં પેન્ડિંગ છે. બેંગકોક ભાગી છુટેલા આરોપીએ અગાઉ નોંધાવેલી વ્યાજ વટાવ ની ફરિયાદમાં પોલીસે રૂપિયા 40 લાખનું મકાન અને બે કાર સહિતની મિલકત પરત અપાવી હતી. તેમજ વ્યાજ વટાવની ફરિયાદમાં પોલીસ દ્વારા અગાઉ નિવૃત્ત પોલીસ જમાદાર સહિત બેની અટકાયત કરી લેવાઇ હતી.
જામનગરમાં નવાનગર સોસાયટીમાં રહેતા મહેશ ફલીયાએ આજથી ચાર માસ પહેલાં વ્યાજખોરોના ત્રાસના કારણે પોતે ફિનાઈલ પીધું છે, તેમ કહી ને જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતા, અને ત્યાં પોલીસ દ્વારા લેવાયેલા નિવેદનમાં કારખાનેદાર સુખદેવસિંહ જાડેજા ઉપરાંત જામનગરના નિવૃત્ત પોલીસ કર્મચારી બને સિંહ જાડેજા તથા નિકેશ ગાગલિયા સામે ગેરકાયદે નાણા ધીરધાર કરી પોતાની જુદી જુદી બે નંગ કાર અને એક મકાન પડાવી લીધા ની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદની PSI આર.ડી. ગોહિલ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને તેમાં નિવૃત્ત પોલીસ કર્મચારી બનેસિંહ જાડેજા પાસેથી રૂપિયા 14 લાખનું મકાન પરત મેળવીને આપવા આવ્યું હતું જયારે બનેસિંહ જાડેજા ની જે તે વખતે અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત નિકેશ ગાગલીયા પાસેથી રૂપિયા 26 લાખની કિંમતની બે અલગ અલગ કાર પણ કબજે કરી લેવામાં આવી હતી, અને મહેશને પરત અપાવી હતી. તેમજ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં 40 લાખની રિકવરી કરીને બે આરોપીને અટકાયત કરવામાં આવી હતી, પરંતુ સુખદેવ સિંહ જાડેજા સામે ખોટી ફરિયાદ કરી હોવાથી તે અંગે અદાલતમાં રિપોર્ટ કરાયો છે.