પછાત તેમજ લઘુમતી વિસ્તારોમાં પોલીસ દ્વારા મતદારોને ડરાવવામાં આવતા હોવાની કોંગ્રેસી ઉમેદવાર જયંતિ પટેલની રાવ: ગઢડામાં પણ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ
મતદાનના એક દિવસ પૂર્વે ૬૫ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલે મોરબીના મુખ્ય ચૂંટણી નિરીક્ષક ડોક્ટર હરિઓમને લેખિતમાં ફરિયાદ કરી છે કે, પછાત વિસ્તારો તેમજ લઘુમતી વિસ્તારોમાં સરકારના ઇશારે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ આક્ષેપોને પગલે ચૂંટણીના એક દિવસ પૂર્વે રાજકારણ ગરમાયુ છે અને સનસનાટી મચી ગઇ છે. જયંતીલાલ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષક હરિઓમને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઈશારે મોરબી જિલ્લા તેમજ રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રની તમામ ફોજને પછાત તેમજ લઘુમતી મતદારો ધરાવતા વિસ્તારોમાં ઉતારી દેવામાં આવી છે. જયંતીલાલ પટેલે પોતાની રજૂઆતમાં વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ ખાતું કોંગ્રેસ તરફી મતદાન થઇ શકે તેવા વિસ્તારોમાં ફરીને મતદાન નહીં કરવાનું જણાવી રહ્યા છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે. આ અંગે જયંતીલાલ પટેલે વિસ્તારથી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રીઓની સુચનાને લઈને પોલીસ તંત્ર દ્વારા મતદારોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે.
પોલીસ તંત્રનો પ્રભાવ પડે એ માટે રાજકોટ રેન્જના આઈજી સહિત વિવિધ વિસ્તારોના પોલીસ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મોરબીમાં રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જયંતીલાલ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોટા પાયે આ પેટાચૂંટણીમાં સરકારની સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. મતદારોમાં ભયનો માહોલ ફેલાય તેવી કાર્યવાહીને લઇને ઓછું મતદાન થાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. સ્વસ્થ લોકશાહીની પ્રક્રિયા માટે આ ખૂબ જોખમી બાબત છે તેમ જણાવીને જયંતિલાલ પટેલ અંતમાં ઉમેર્યું હતું કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપથી સંપન્ન થાય એ માટે આપ ત્વરિતપગલાં ભરશો. કોંગ્રેસ ઉમેદવારના આવા આક્ષેપોથી મોરબી-માળીયાની પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ આત્યંતિક ગરમાવો આવ્યો છે.આ ઉપરાંત ગઢડા વિધાનસભામાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.