અરજદારને કામ કરી દીધાનો અહેસાસ કરાવી અને સામાવાળાને ગંભીર ગુનામાં ફીટ કરવાનો ડર બતાવી બંને પાસેથી ‘તોડ’ કરવાનું સાધન એટલે અરજી

કાયદાની જોગવાઈ વિરૂધ્ધ ગંભીર ગુનામાં ફરિયાદ ન નોંધી અરજી લઇ અરજદારને ઉલ્લુ બનાવી ગુનાખોરીનો ગ્રાફ નીચો બતાવવાના પ્રયાસ

પોલીસના ‘તોડ’ કરવાની પ્રણાલી વર્ષો જુની છે. મોઘવારીની ‘તોડ’ની રકમ પણ વધી ગઇ હોય તેમ સામાન્ય અરજીમાં મોટી રકમ પડાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જાન માલના રક્ષણની જેને જવાબદારી સોપવામાં આવી છે અને પોલીસની તે પ્રથમ ફરજ હોવા છતાં પોલીસ પૈસા બનાવવામાં વ્યસ્ત બની પોતાની ફરજ ભુલી ભ્રષ્ટાચાર આચરવામાં ગળા ડુબ બન્યા છે.

આરોપીનો કામ, ધંધો અને મોભો જોઇને ‘તોડ’ની રકમ નક્કી થતી હોય તેમ એક બોટલ દારૂના કેસમાં એક લાખથી વધુ રકમ પડાવી કેસ કરવાનું ટાળી ‘રોકડી’ કરી લેતા હોય છે. ગંભીર ગુનામાં ફરિયાદ ન નોંધી અરજી સ્વરૂપે ફરિયાદ રાખી અરજદાર નહી પણ તપાસનીશ ‘ખુશ’ ન થાય ત્યાં સુધી બંને પક્ષને વારંવાર પોલીસ સ્ટેશને બોલાવી અરજીનો નિકાલ પોલીસ દ્વારા કરવામાં ન આવતો હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે. પોલીસ સ્ટેશન આવેલા અરજદારને કયાંકે પોતે અપરાધી હોય તેવો કડવો અનુભવ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે. અરજદારની અડધી ઉમરના તપાસનીશ અરજદાર સાથે એટલી હદે તોછડુ વર્તન કરી લુખ્ખી તપાસના અરજદારને કાઢી મુકવામાં આવે છે.

જ્યારે પૈસાની લેતી-દેતીની કે જમીન અંગેની અરજીની તપાસ માટે પોલીસમાં પડાપડી થતી હોય છે. આર્થિક બાબતની મેટરમાં ફરિયાદ ન નોંધી અરજદાર અને સામાવાળા પાસેથી કંઇ રીતે મોટી રકમ પડાવવી તે સારી રીતે જાણતી પોલીસ અરજદારને પોતે કામ કરાવી દીધાનો અહેસાસ કરાવીને અને સામાવાળાને ગંભીર ગુનાની બીક બતાવી સમાધાન કરાવવી પૈસા પડાવવામાં માહિર પોલીસ સામેની ફરિયાદો અવાર નવાર ઉઠી છે પણ કોઇ એસીબીમાં ફરિયાદ ન નોંધાવતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસે સામાન્ય અરજીમાં મોટી રકમ પડાવી લીધી હોવા છતાં પોલીસ પાછળથી પોતાને હેરાન કરશે તેવા ડરના કારણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા હીચકીચાટ અનુભવતા હોવાના કારણે જ સામાન્ય અરજીની તપાસમાં પોલીસ મોટી રકમનો ‘તોડ’ કરવાનું સરળ બન્યાનું એસીબીના સુત્રો જણાવી રહ્યા છે.

ગઇકાલે એસીબીના સ્ટાફે યુનિર્વસિટી પોલીસ મથકના એએસઆઇ ભાવના સંતોકી, રાઇટર ગોવિંદ ગજીયા અને વચેટીયો બિજલ ગમારા રૂ.૧૫ હજારની લાંચ લેતા ઝડપી બંને પોલીસ કર્મીને તેની ફરજનું ભાન કરાવ્યું તે રીતે પોલીસનો ડર રાખ્યા વિના એન્ટી કરપ્શન બ્યુરોની મદદ લેવાનું શરૂ થાય તો જ પોલીસમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના ભોરીંગને નાખી શકાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અરજદાર અને સામાવાળાને પોલીસ દ્વારા એટલી હદે ડરાવી દીધા હોય છે કે, બીચારા પોતાની આબરૂ બચાવવા પણ પોલીસને મને ક મને મોઢે માંગેલી રકમ આપવાનું સ્વીકારી સહન કરી લેતા હોય છે.

લાંચ કેસમાં મહિલા ફોજદારની સંડોવણી?

મહિલા ફોજદાર જ વારંવાર ફોન કરતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ

યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ભાવના સંતોકી, રાઇટર ગોવિંદ ગજીયા અને વચેટીયા બિજલ ગમારાને રૂ.૧૫ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. બંને પોલીસ કર્મચારીની સાથે મહિલા ફોજદારની સંડોવણી હોવાની શંકા સાથે એસીબી સ્ટાફે તપાસ હાથધરી છે.

પૈસાની લેતી-દેતી અંગેની અરજી અંગે બંને પક્ષે ઘરમેળે સમાધાન થયુ હોવા છતાં વારંવાર પોલીસ મથકે બોલાવી તમારૂ સમાધાન થયું અમારૂ શું તેવા સવાલ કરી હેરાન કરતા યુવકની પત્નીએ હિમ્મત દાખવી એસીબીમાં ફરિયાદ કરી ત્યારે તેઓએ મહિલા ફોજદાર વાઘોશી વારંવાર ફોન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પણ તેઓ વિરૂધ્ધ પુરાવો ન હોવાથી એસીબી સ્ટાફે તેમની સામે કંઇ કાર્યવાહી કરી ન હતી પણ ઝડપાયેલા ત્રણેયની લાંચની રકમ કોને કોને ચુકવતા અને કોના કહેવાથી લાંચ માગી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેયના નિવેદનમાં પી.એસ.આઇ. વાઘોશીનું નામ ખુલશે તો તેઓની લાંચના ગુનામાં ધરપકડ કરવામાં આવેશે તેમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.