પીડિતાએ ફરિયાદ ખેંચવા એફિડેવિટ રજૂ કર્યું પરંતુ હાઇકોર્ટે નકારી કાઢી!!
ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને મુક્ત કરવાની અરજીને નકારી કાઢી છે. મામલામાં પીડીતાએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને આરોપી અને ફરિયાદી પક્ષે સમાધાન થઈ ગયા હોવાથી ફરિયાદ પરત ખેંચી લેવા અરજી કરી હતી. જે બાદ પણ હાઇકોર્ટે સમગ્ર મામલાને ગંભીર ગુન્હાહીત કૃત્ય ગણીને પીડિતાની અરજીને ગેરમાન્ય ઠેરવી હતી.
ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે મહત્વપૂર્ણ નિર્ણય કરતા પીડિતા દ્વારા ફરિયાદ પરત ખેંચતા આરોપીને મુક્ત કરી દેવા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. જેનું અવલોકન કરતા ખંડપીઠે કહ્યું હતું કે, પીડિતા દ્વારા કરવામાં આવેલું એફિડેવિટ પરિવારના દબાણને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે એફિડેવિટ માન્ય ગણી શકાય નહીં. ઉપરાંત કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી અને ભોગ બનનાર વચ્ચે બંધાયેલો શારીરિક સબંધ ભોગ બનનારની ઈચ્છા વિરુદ્ધ હોવાથી ફરિયાદ પરત ખેંચી શકાય નહીં અને આરોપીને મુક્ત પણ કરી શકાય નહીં.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫ એપ્રિલના રોજ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. પરિણીત સ્ત્રી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગુન્હો નોંધાયાના એક જ મહિનામાં ભોગ બનનારના પરિવારજનો સાથે બંને પક્ષે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. જે બાદ આરોપી દ્વારા બંને પક્ષે સમાધાન થઈ ગયાનું હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને પીડિતા દ્વારા પણ આ પિટિશનને સમર્થન આપતું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું.
કોર્ટે તમામ બાબતોનું અવલોકન કર્યા બાદ આરોપીના ગંભીર સમાજ વિરુદ્ધના કૃત્ય તેમજ પીડિતાના પરીવાર સાથે સમાધાન કરી મામલો રફેદફે કરી દેવા કરાયેલા પ્રયત્નોને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.