હોસ્પિટલનો કચરો જાહેરમાં ઠાલવવા બાબતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી
ધોરાજી પાસે પુલની નજીક ખુલ્લી જગ્યામાં હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ કચરો નાખવા બાબતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ઉપલેટાની શિવ મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના ઉપલેટા રોડ પર કોઈ અજાણ્યાં શખ્સ દ્વારા મેડિકલ વેસ્ટનો નીતિ નિયમો મુજબ નિકાલ કરવાના બદલે ખૂલ્લી જગ્યામાં મેડીકલ વેસ્ટ નાખી દીધો હતો. જેથી જેતપુર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સંતોષ કૂમાર સૂતરીયાએ ઉપલેટાની શિવ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના ડો.જયેશ પાઘડાર અને બાયો મેડિકલ વેસ્ટ લાવનાર ઇસમો સામે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કોરોનાની મહામારી છતાં ઉપલેટાની શિવ હોસ્પિટલ દ્વારા રાયધરા પૂલ પાસે મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા અંગેની જાણ થતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા આરોગ્ય તંત્રના અધિકારીઓ સ્ટાફની ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
જેમાં મેડીકલ વેસ્ટ, અર્ધ બળેલી હાલતમાં પીળી બ્લૂ બેગ, ઉપલેટાના તબીબના નામવાળુ કુરીયર કંપનીના સિમ્બોલ વાળું કવર મળી આવ્યું હતું. જેથી બાયો મેડિકલ વેસ્ટનો નિયમો મુજબ નિકાલ કરવાના બદલે મનુષ્યની જીંદગી જોખમાય તેવું કૃત્ય કરાયું હોવાની ઉપલેટાના ડો. જયેશ પાઘડાર સામે કાયદેસરની ફરિયાદ કરાઈ છે.