કલેકટરના હુકમને આધારે પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો

અબતક, જામનગર

જામનગર તાલુકાના ચેલા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદે કબ્જો કરવા અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ થતા પોલીસે ત્રણેય આરોપી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના ચેલા ગામે રહેતા યોગન્દ્રસિંહ ભાવશી કેરની સંયુકત માલિકીની વારસાઇ ખેતીની જમીનમાં દોઢેક વર્ષથી ત્રણ શખ્સોએ ગેરકાયદે કબ્જો કર્યો હતો. દબાણ કરનારા શખ્સોએ પાણી માટેનો બોર કરી તેમજ વાડીમાં બેલાની ઓરડીનું ગેરકાયદેસર બાંધકામ પણ કર્યુ હતું અને વીજ કનેકશન લઇ લીધું હતું. આ જમીન ખાલી કરવાનું કહેતા આરોપીઓએ ઇન્કાર કર્યો હતો તેમજ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી, માર માર્યો હતો. આ ઉપરાંત કોઇ પણ પરિવારજનો આ જમીનમાં પગ મુકશે તો જીવતા નહી રહે તેવી ધમકી પણ આપી હતી. આ અંગે યોગેન્દ્રસિંહ દ્વારા હેંમતસિંહ માનસંગ કેર, કિશોરસિંહ હેમતસિંહ કેર અને પૃથ્વીરાજસિંહ હેમતસિંહ કેર સામે જામનગર જિલ્લા કલેકટરમાં આ જમીન ખાલી કરાવવા બાબતે અરજી કરી હતી. લેન્ડ ગ્રેબીંગ કમિટિએ આ અરજીની તપાસ કરી પુરાવા એકત્રીત કર્યા હતા. જિલ્લા કલેકટરને તા.17-8ના હુકમથી જિલ્લા પોલીસવડા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેથી આ અંગે તા.26ની રાત્રે ઉપરોકત ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 294(ખ), 506(2), 114 તેમજ લેન્ડ ગ્રેબીંગ એકટ અન્વયે પોલીસે ગુન્હો નોંધ્યો છે. આ અંગેની તપાસ જામનગર ગ્રામ્યની ડીવાયએસપી કૃણાલ દેસાઇ ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.