રાજુલાના ધારેશ્વર ગામના શિક્ષક નરેશ ચૌહાણ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો નાગેશ્વરના અખબાર વિતરકના આપઘાતમાં ભાભલુ વરૂનું નામ ખુલ્યુ’ તુ
ખાંભા તાલુકા પોલીસ સ્ટેશનમા ભાભલુ વરૂ સહિત ત્રણ ઈસમો સામે ગેરકાયદેસર નાણા ધિરાણ, ધાક ધમકી આપવી, ખેડૂતોની જમીન પર ગેરકાયદે કબજો જમાવવા સબબની ફરીયાદ ખાભા તાલુકાના રાણીગપરા ગામના ખેડૂત જયંતિભાઈ સોડવડીયાએ નોધાવી હતી.
ફરીયાદમા થયેલ ઉલ્લેખ મુજબ ભાભલુ નાગભાઈ વરૂ તેનો ભાઈ પ્રતાપ નાગભાઈ વરૂ રે. નાગેશ્રી તેમજ ધારેશ્ર્વર ગામનો પ્રાથમિક શિક્ષક નરેશ ચૌહાણે સામે પોલિસે તપાસ હાથ ધરી છે.
આ ફરીયાદમા દર્શાવેલ ભાભલુ વરૂ સામે આ ચોથી ફરીયાદ નોંધાતા લોકોમા તેમજ શિક્ષણ જગતમા ચકચાર મચી જવા પામેલ છે. પ્રથમ ફરીયાદ રાજુલા પોલિસ સ્ટેશનમા ધારેશ્ર્વર ગામના ખેડૂતે તા ૨૦/૬/૨૦ ના રોજ નોધાવી હતી. બીજી ફરીયાદ તા.૧૯/૭/૨૦ ના રોજ રાજુલાના જ એક નાગરિકે મકાન પ્લોટ ધાક ધમકી આપી ને પડાવી લેવા નોધાવી હતી. ત્રીજી ફરીયાદ ૧૫/૭/૨૦ના રોજ રાજકોટના ગાંધીગ્રામ પોલિસ સ્ટેશનમા નોધવામા આવેલ હતી જેમા નાગેશ્રી ગામના અખબાર વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલા વણીક આધેડે રાજકોટમા તેમના ભાણેજના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરેલ જેની સ્યુસાઈડ નોટમા આ ભાભલુ વરૂ સહિત છ ઈસમના નામો ખુલવા પામેલ હતા. આમ ઉપરા ઉપરી ચાર જેટલી ફરીયાદો નોધાવતા અમરેલી પોલીસ પણ હરકતમા આવી છે. મજકુર ભાભલુ વરૂ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો ખજાનચી છે ને સમગ્ર રાજ્યના પ્રા.શિક્ષકોનુ ભંડોળ જેમના હવાલે છે તેવા ઈસમ ગેરકાયદેસર નાણા ધિરાણ, ધાકધમકી આપવી, જમીન મકાન પ્લોટ પડાવી લેવા તેમજ મરી જવા મજબુર કર્યાની ફરીયાદો થતા સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકો, રાજ્ય સંઘના નેતાઓ સામે શંકાની નજરે જોઈ રહ્યા છે.
નવાઈની વાત એ છે કે આટ આટલી સીરીયલ ફરીયાદો ભાભલુ વરૂ સામે નોંધાવા છતા રાજ્ય પ્રાથમિક સંઘના નેતાઓએ હજુ સુધી સંઘના ખજાનચી તરીકેના હોદ્દા પરથી દુર કરવા કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી. એવુ પણ ચર્ચાય છ કે રાજ્ય સંઘની નેતાગીરી આ ભભલુ વરૂને બચાવવાના કામે લાગી છે. તેવુ શિક્ષક આલમમાં ચર્ચાઈ રહેલ છે.
ખાંભા પોલીસ સ્ટેશનમા તા ૧૮/૮૨૦ના રોજ નોધાયેલ ફરીયાદમાં ધારેશ્ર્વર ગામના પ્રાથમિક શિક્ષક નરેશ ચૌહાણની સંડોવણી ખુલતા આ શખ્સનુ નામ અગાઉ ધારેશ્ર્વર ગામના ખેડૂતની ફરીયાદમા પણ નામોલ્લેખ થયો હોવાથી આ શખ્સ પણ શંકાના દાયરામા આવે છે આ શખ્સની રાજુલા તેમજ અન્ય સ્થળે અસંખ્ય પ્લોટ મકાન તેમના તેમજ સગા સંબંધી મીત્રોના નામે તેમજ વ્યાજ વટાવના ધંધામા નાણા રોકાયેલા હોવાની લોકોમા ચર્ચા છે.
આ સંદર્ભે ભાભલુ વરૂને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કરેલ છે. પણ ધારેશ્ર્વર પ્રાથમિક શાળાના શિક્ષક નરેશ ચૌહાણને શિક્ષણ વિભાગ સસ્પેન્ડ કરશે કે ફક્ત બદલી કરીને સંતોષ માનશે એવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.
અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાયની સીધી દેખરેખને માર્ગદર્શન નીચે ચાલી રહેલી તપાસમા પોલિસ દ્વારા આમજનતાને નિર્ભય બનીને બહાર આવવાની હૈયાધારણા અપાતા લોકો નિર્ભય રીતે ફરી રહેલ છે. ને આમ જનતામા કાયદો અને વ્યવસ્થા સંદર્ભે સંતોષની લાગણી જન્મી છે.