- કથિત ઓડીયો વાયરલના મામલે
- ડીવાયએસપીએ ડીઆઈજીને સુઓમોટો અરજી કરી હતી: મોબાઇલ ધારકે ખનીજ માફીયા સાથે હપ્તા અને લેતી-દેતીની વાતચીત કરી હોવાનું સામે આવ્યું
- બે નંબરના ધંધાર્થી દ્વારા કોઇપણના નામે કે કોડવર્ડના નામથી સેવ કરતા મોબાઇલ નંબરધારકોએ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઇવે પર ખનીજ ચોરી અંગે ચેકીંગ દરમિયાન કારમાં રેકી કરતા બે શખ્સોને ઝડપી લઇ મોબાઇલ ચેક કરતા પોતાનું લોકેશન ખનીજમાફીયાના વોટ્સએપ્પ ગ્રુપમાં મેસેજ કરતા હોવાનું તેમજ ડીવાયએસપીના નામથી સેવ કરેલા નંબર સાથે આર્થિક વ્યવહારની વાતચિતનો વિડીયો વાયરલ મામલે લીંબડી ડીવાયએસપી દ્વારા કથિત ઓડિયો પોતાનો નહિં હોવાનો આ મામલે પોતે સુઓમોટો લઇ ડીઆઇજીને ફરિયાદ કરી હતી. આથી તપાસના અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. તેમજ અન્ય શખ્સે ડીવાયએસપીના નામે નંબર સેવ કર્યાનું ખૂલતાં પોલીસે તેની સામે ગુનો નોંધી આકરી કાર્યવાહીના સંકેતો આપ્યા છે. આથી બે નંબરના ધંધાર્થી દ્વારા કોઇપણના નામે કે કોડવર્ડના નામથી સેવ કરતા મોબાઇલ નંબરધારકોએ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આથી ખનીજ માફિયામાં ફફડાટ મચી જવા પામ્યો છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિતની ટીમે ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં એક કાર શંકાસ્પદ હાલતમાં પીછો કરતી હોવાની જણાઈ આવ્યુ હતુ અને કારમાંથી બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસે રહેલ મોબાઈલ ચેક કરતા અધિકારીઓની કામગીરી તેમજ લોકેશનની વોટસઅપ ગ્રુપ બનાવી ભુમાફિયાઓ સુધી માહિતી પહોંચાડતા હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ ઝડપાયેલ મોબાઈલમાં લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરેલ નંબરમાંથી અલગ-અલગ ભુમાફીયાઓ સાથે હાઈવે પરથી ડમ્પર પસાર કરવા બાબતે હપ્તાની વાતચીતનો કથીત ઓડીયો પણ સામે આવ્યો હતો. જે ઓડીયો અને રેકોડીંગ સાથે ચોટીલા પ્રાંત અધિકારીએ વાયરલ કરતા ચકચાર મચી જવા પામી હતી અને ખુદ પ્રાંત અધિકારી દ્વારા જ ડીવાયએસપી કક્ષાના અધિકારીનો હપ્તા બાબતે ઓડીયો વાયરલ કરતા અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. જયારે આ મામલે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ પોતાની પ્રતિક્રયા આપતા તમામ આક્ષેપોને નકારી કાઢયા હતા. અને વાયરલ કથીત ઓડીયોમાં પોતાનો કે અન્ય કોઈપણ પોલીસ કર્મચારીનો અવાજ ન હોવાનું જણાવ્યુ હતુ. તેમજ કોઈ ભુમાફીયાઓ કે તેમના સાગરીતોએ રોફ જમાવવા પોલીસ અધિકારીઓના નામથી નંબર મોબાઈલ તેમજ ટુ-કોલરમાં સેવ કર્યા હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર જ કથીત ઓડીયો કલીપ વાયરલ કરી દીધી છે. અને આ મામલે પોતે જાતે જ જીલ્લા ડીઆઈજીને સુઓમોટો લેખીત અરજી કરી સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરી છે તેમ જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસ અધિકારીના નામથી સેવ કરેલ નંબર દ્વારા હપ્તા બાબતની વાતચીતનો ઓડીયો સામે આવતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પરંતુ કથીત ઓડીયોમાં ડીવાયએસપીના નામથી સેવ કરેલ નંબર કોનો છે..? કોની જોડે વાતચીત થાય છે..? તે વધુ તપાસ બાદ જ માલુમ પડશે. જે મામલે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ જાતે ઓડિયો રેકોર્ડીંગ ગૃપમાં વાયરલ કરી લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી સામે આક્ષેપ કર્યા હતા જે મામલે લીંબડી ડીવાયએસપી દ્વારા ડીઆઈજીને સુઓમોટો સાથે અરજી કરી તપાસની માંગ કરી હતી.
ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ચોટીલા હાઈવે પર ગેરકાયદે ખનીજચોરી અંગે થોડા દિવસો પહેલા ચેકીંગ હાથધર્યું હતું જેદરમ્યાન સરકારી ગાડીનો પીછો કરી રહેલ બે શખ્સોને ખાનગી કારમાં ઝડપી પાડયા હતા જેમના મોબાઈલ ચેક કરતા લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરેલ નંબરમાંથી ભુમાફીયાઓ સાથે હપ્તા અને રોકડ સહિતના લેતી-દેતીના મામલે વાતચીત થતી હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ જાતે ઓડિયો રેકોર્ડીંગ ગૃપમાં વાયરલ કરી લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી સામે આક્ષેપ કર્યા હતા જે મામલે લીંબડી ડીવાયએસપી દ્વારા ડીઆઈજીને સુઓમોટો સાથે અરજી કરી તપાસની માંગ કરી હતી.
જેમાં પ્રાથમિક તપાસમાં ડીઆઈજી દ્વારા કથીત ઓડિયો રેકોર્ડીંગ મામલે લીંબડી ડીવાયએસપીને ક્લીન ચીટ આપી હપ્તા બાબતના રેકોર્ડીંગમાં લીંબડી ડિવાયએસપી કે અન્ય કોઈપણ કર્મચારીની સંડોવણી નહિં હોવાનું સામે આવ્યું હતું. જે મામલે વધુ તપાસ સુરેન્દ્રનગર ડીવાયએસપી નિકુંજ પટેલને સોંપી છે અને વધુ તપાસ દરમ્યાન લીંબડી ડીવાયએસપીના નામથી કલ્પેશકુમાર ત્રિભોવનભાઈ પટેલ રહે. પાંદરી તા.લીંબડીવાળાએ પોતાનો નંબર સેવ કર્યો અને ડીવાયએસપી નહિં હોવાછતાં ખોટી ઓળખ આપી અન્ય લોકો સાથે મોબાઈલથી વાતચીત કરી લીંબડી ડીવાયએસપીના હોદાનું ખોટું નામ ધારણ કર્યું હોવાથી લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.