મંજુરી વગર સ્ટેટની માલિકીનાં જર્જરીત મકાનમાં પ્રવેશીને દિવાલ તોડવાનો પ્રયાસ
વઢવાણ શહેરમાં ભુકંપ બાદ અનેક મકાનો જર્જરીત બનતા લોકો માટે મોતના માંડવા સમાન બની ગયા છે. જેમાં ગઢની અંદર ઐતિહાસિક અનેક રાજાશાહી વખતના મકાનો પડવાના વાંકે ઉભા છે. આથી જર્જરીત મકાનોમાંથી પથ્થર અવાર નવાર પડે છે ત્યારે રસ્તા પરથી અને મકાનની આસપાસથી પસાર થતાં શહેરીજનો માટે નિકળવું ખતરારૂપ બની ગયું છે.
વઢવાણ સ્ટેટના રાજમહેલ ઉપરાંત શહેરમાં અન્ય જગ્યાએ મિલકતો આવેલી છે. જેમાં મોતીચોકમાં દેરાસર પાસે એક મકાન પણ છે. આ મકાનના રવેશની દિવાલ કોઈ શખ્સ તોડતું હોવાની જાણ વઢવાણ સ્ટેટના રાજવીને સિઘ્ધાર્થસિંહ ચૈતન્યદેવસિંહ ઝાલા સહિતનાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સમયે ભાજપના આગેવાન અને આ વિસ્તારના મહિલા સદસ્યના પતિ ભગવતીપ્રસાદ શુકલને સિઘ્ધાર્થસિંહે દિવાલ તોડતા અટકાવી દીધા હતા.
ત્યારબાદ શા માટે મકાન તોડો છો, અમને પુછવું તો જોઈતું તું ને એમ કહેતા ભાજપના આગેવાન જતા રહ્યા હતા. બીજી તરફ સિઘ્ધાર્થસિંહ ચૈતન્યદેવસિંહ ઝાલાએ મંજુરી વગર મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, દીવાલને નુકસાન કર્યાની ભગવતીપ્રસાદ શુકલ સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ વઢવાણ પોલીસ મથકના જમાદાર નિતીનદાન મોડ ચલાવી રહ્યા છે.