પોલીસ કમિશનર કચેરી બહાર કાર્યકરોના ટોળા ઉમટયા
બળાત્કાર, અપહરણ સહિતનો ગુનો દાખલ કરી ડીસીપીએ તપાસ હાથ ધરી
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારના કથીત આરોપ લગાવ્યા બાદ ગઈકાલે પોલીસ કમિશનર કચેરી ખાતે લોકોના ટોળા ઉમટયા હતા. ગઈકાલે યુવતીના નિવેદન પરી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ સમયે કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
પોલીસે મામલાની ગંભીરતાને જોઈને કમિશનર કચેરી ખાતે કિલાબંધી કરી હતી. વિરોધ કરવા આવેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અગાઉ યુવતીએ પોલીસ કમિશનરને ભાનુશાળીએ દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ કરતી લેખીત ફરિયાદ આપી હતી. ત્યારબાદ જયારે પોલીસે નિવેદન લખાવવા માટે યુવતીને કચેરીએ બોલાવી ત્યારે તે લાપત્તા થઈ ગઈ હતી. તેનો પરિવાર પણ ગુમ થઈ ગયો હતો. જો કે ત્યારબાદ ગઈકાલે તે નિવેદન નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચી હતી.
પોલીસે જયંતી ભાનુશાળી સામે બળાત્કાર, અપહરણ સહિતના ગુના નોંધ્યા છે. જયંતી ભાનુશાળીએ પીડિતા પર વારંવાર દુષ્કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ યા છે. આ કેસની તપાસ ડીસીપી લીના પાટીલ ચલાવી રહ્યાં છે.
પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેને ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટયુટમાં એડમીશન આપવાની લાલચ આપી ભાનુશાળીએ દુષ્કૃત્ય આચર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, યુવતીએ કરેલા આક્ષેપોના અનુસંધાને ભાનુશાળીએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે.