પછાત વર્ગ મ્યુનિ.કર્મચારી મંડળ દ્વારા શ્રમ આંયુકત કમિશનરને ક્ધસીલેશન કેસ દાખલ કરવા રજુઆત
જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવા છતાં મહાપાલિકા દ્વારા સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવામાં ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે. આ અંગે અનેકવાર રજુઆત કરવા છતાં પ્રશ્ર્ન હલ ન થતા પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારના મદદનીશ શ્રમ આયોગ કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે અને મહાપાલિકા સામે ક્ધસીલેશન કેસ દાખલ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
આ રજુઆતમાં પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળના પ્રમુખ પી.કે.રાખૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ સોલંકી, અમુભાઈ સોલંકી, મંત્રી અશોકભાઈ રાઠોડ અને જેન્તીભાઈ વાણીયાએ જણાવ્યું છે કે, મહાપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નિમણુક આપવા માટે તા.૨૭/૯/૨૦૧૨ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો છે. ઢોર પકડ પાર્ટી, ક્ધઝરવન્સી વિભાગ, મેલેરિયા વિભાગ, ડ્રેનેજ શાખા અને વોકરા ગેંગ જેવા વિભાગોમાં આરોગ્યલક્ષી કામગીરી કરતા વર્ગ-૪ના કર્મચારીઓ લાંબી કામગીરીના અંતે કોઈ અસાધ્ય રોગનો શિકાર બને છે કે શારીરિક રીતે અશકત થઈ જાય છે. તેઓ સ્વૈચ્છિક નિવૃતિ લેવા માંગતા હોય છે અથવા એવા કર્મચારીઓ કે જેનું ચાલુ ફરજે અકસ્માતે અવસાન થયું હોય તેના વારસદારોને રહેમરાહે નોકરી આપવા માટે અનેકવાર રજુઆત કરવામાં આવી છે છતાં મહાપાલિકાના બેરા કાને રજુઆત સંભળાતી નથી. યોગ્ય કાર્યવાહી ન થતા હવે મહાપાલિકા સામે ક્ધસીલેશન કેસ દાખલ કરવાની રજુઆત કરાઈ છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મ્યુનિ.કમિશનર પત્રે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ જનરલ બોર્ડમાં પણ એવી ભલામણ કરવામાં આવી છે કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદારોને રહેમરાહે નિમણુક આપવામાં આવે. આ અંગે કમિશનર દ્વારા વિધિવત રીતે વહિવટી મંજુરી પણ આપી દેવામાં આવી છે છતાં કોઈ કામગીરી થતી નથી પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા ૨૦૧૩થી તંત્રને લેખિક અને મૌખિક રજુઆત કરવામાં આવે છે છતાં તંત્ર નકારાત્મક નીતિ અપનાવી રહ્યું છે. આ પ્રશ્ર્ન ચોથા વર્ગના કર્મચારીઓનો ખુબ જ સંવેદનશીલ પ્રશ્ર્ન છે ત્યારે રાજય સરકારની નાયબ શ્રમ આયુકતની કચેરીના મદદનીશ શ્રમ આયુકત કમિશનરને મંડળ દ્વારા મહાપાલિકા સામે ક્ધસીલેશન કેસ દાખલ કરવાની ફરિયાદ કરાઈ છે.