રાજકોટમાં રહેતા અને આધાર કાર્ડ અને પાન કાર્ડ કઢાવવાનું કામ કરતા યુવકને છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાથી તે યુવકે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જેમાં આજીડેમ પોલીસ દ્વારા યુવકની ફરિયાદ કરી છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.વિગતો મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર શિવપાર્ક શેરી નં. 1માં રહેતા અને આધાર કાર્ડ અને પાન કાર્ડ કઢાવવાનું કામ કરતા મોહીત જેન્તીભાઈ પરમાર (ઉ.વ.27)એ આજી ડેમ પોલીસે પોતાની ફરિયાદમાં આરોપીઓમાં અતુલભાઇ ભુત,સોહમ રાજપુત,અમુભાઇ જળુ,ટીસો જળૂ,દિપભાઈ ગઢવી અને રવિરાજ જાદવના નામો આપ્યા હતા.જેમાં મોહીતે જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલા તેણે અતુલ ભૂત પાસેથી 6 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા જેનું દર મહિને 36 હજાર વ્યાજ ચૂકવતો હતો. આ વ્યાજ ચૂકવવા માટે તેણે સાહેમ રાજપૂત પાસેથી રૂા. 1 લાખ દર અઠવાડિયે રૂા. 10 હજારના વ્યાજે લીધા હતા. બાદમાં તેની પાસેથી વધુ રૂા. 2 લાખ ડાયરી પેટે લીધા હતા. જેમાં દર 10 દિવસે રૂા. 20 હજારનો હપ્તો ચૂકવતો હતો.

દર મહિને 15 હજારનું વ્યાજ ચૂકવવા હોવા છતાં છ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા યુવકે ફિનાઇલ ગટગટાવી લીધુ

ત્યારબાદ અમુભાઈ જળુ પાસેથી રૂા. 1 લાખ 15 ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને રૂા. 15 હજાર વ્યાજ ચૂકવતો હતો. આ જ રીતે ટીસા જળુ પાસેથી રૂા. 50 હજાર દર અઠવાડિયે રૂા. 7500 વ્યાજ લેખે લીધા હતા. દીપભાઈ ગઢવી પાસેથી રૂા. 3 લાખ 10 ટકા વ્યાજે તથા રૂા. 4 લાખ ડાયરી પેટે લીધા હતા. જે પેટે દર 10 દિવસે રૂા. 40 હજારનો હપ્તો ચૂકવતો હતો. રવિરાજ જાદવ પાસેથી રૂા. 4 લાખ દરરોજ રૂા. 4 હજાર વ્યાજ પેટે લીધા હતાં. આ ઉપરાંત તેની પાસેથી રૂા. 10 લાખ ડાયરી પેટે લીધા હતા. જેમાંથી બે લાખ કાપી રૂા. 8 લાખ આપ્યા હતાં. જેને રૂા. 1 લાખ દર 10 દિવસે ચૂકવતો હતો. એટલું જ નહીં તેની પાસેથી રૂા. 2 લાખ 7.5 ટકાના વ્યાજે લીધા હતાં. જે પેટે દર મહિને રૂા. 15 હજાર વ્યાજ ચૂકવતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજ ચૂકવી નહીં શકતા તમામ આરોપીઓએ તેની પાસે પઠાણી ઉઘરાણી કરી ’જો તું વ્યાજ નહીં ચૂકવી શકે તો તને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપતા હતા. જેથી કંટાળી જઇ ગઇકાલે રાત્રે તેણે ઘરે ફિનાઇલ પી લીધું હતું. જેને કારણે ઉલટી-ઉબકા આવતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં આજે આજી ડેમ પોલીસે તેની ફરિયાદ નોંધી હતી.આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.