- જિલ્લા ચૂંટણી તંત્ર નોટિસ ફટકારી તપાસ હાથ ધરશે, બાદમાં ચૂંટણી પંચમાં રિપોર્ટ કરાશે
તાજેતરમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બે સમુદાયોને હરખપદુડા કહેવાની ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી હવે જિલ્લા ચૂંટણી તંત્ર તેમને નોટિસ ફટકારી તપાસ હાથ ધરશે.
ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ બયાનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી હતી. પરેશ ધાનાણીએ પોતાના ભાષણ દરમિયાન પાટીદાર આંદોલનને યાદ કરી ભાષણ કર્યું હતું. સાથે જ તેઓએ હાલના ક્ષત્રિય સમાજના આંદોલનને પણ આવરી લઇ નિવેદન કર્યું હતું. તેમણે કટાક્ષ સાથે જણાવ્યું હતું કે, ભાજપને મોટું વટ વૃક્ષ બનાવવામાં અમારા પટેલીયા અને બાપુઓનો મોટો હાથ હતો.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ‘1995માં આપણે 18 વરણ એક થઇ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું હતું. બધાએ લોહી પરસેવાના ટીપેથી સીચીને એને વટ વૃક્ષ બનાવ્યું. એમાં પણ અમે પટેલીયા અને બાપુ બે બળે ચડ્યા, હરખપદુડા ભાજપના બીને દરરોજ ઉઠી દશ ડોલ પાણી પાયું. જેથી આ વૃક્ષ જલ્દી મોટું થાય અને ભરઉનાળે છાયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો આવ્યો ત્યારે અમને ખબર પડી કે વાહા ફાટી ગયા.’તેમણે કહ્યું હતું કે, આજ ભાજપ સરકાર હતી એની સૂચનાથી પોલીસે અમારી માં-બેન, દીકરીઓને ઢોર માર મારી લોટ બાંધી દીધો. એના આંસુ એના અહંકારને ઓગળી ન શક્યા. હું ત્યારે પણ કહેતો હતો કે વારા ફરથી વારો મેં પછી ગારો. કોઈ બાકી રહ્યું છે ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો છે. બાપુ બચ્યા હતા અને હવે આ વખતે એનો વારો પણ આવી ગયો. આ કોઈના નથી.
પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામા આવશે. બાદમાં તપાસ હાથ ધરી આ મામલે ચૂંટણી પંચમાં રિપોર્ટ કરવામાં આવશે.