વીજ ચેકીંગ ટીમ દ્વારા પાવર ચોરી પકડી વસુલાત કરવા માટે ત્રણ મૃતક સામે કોર્ટમાં દાવો કર્યો’તો
ગીર ગઢડા પંથકમાં આઠેક વર્ષ પહેલાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવતા પાવર ચોરી પકડી વસુલાત કરવા માટે કોર્ટમાં દાખલ કરેલા દાવાના પ્રતિવાદીના વર્ષો પહેલાં અવસાન થયાનું સામે આવતા અદાલતના હુકમથી કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા પીજીવીસીએલના નવ કર્મચારી સામે કોર્ટમાં ખોટી માહિતી આપી ગેર માર્ગે દોર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કોર્ટના હુકમથી રજીસ્ટ્રાર એસ.પી.ચાવડાએ પીજીવીસીએલના નાયબ ઇજનેર રાજેશ કૈલાશ શર્મા, જુનિયર એન્જિનીયર કે.કે.રાઠોડ, લાઇનમેન જી.જી.તેરૈયા, નાયબ ઇજનેર કે.વી.વણકર, જુનિયર એન્જિનીયર આર.કે.શર્મા, લાઇનમેન ડી.બી.જાની, નાયબ ઇજનેર ભાવેશ મોહનલાલ સોલંકી, જુનિયર એન્જિનીયર ડી.ટી.ત્રિપાઠી અને લાઇનમેન એસ.વી.ડામોર સામે ખોટા દસ્તાવેજી પુરાવા રજુ કરી કોર્ટને ગેર માર્ગે દોર્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પીજીવીસીએલની જુદી જુદી ચેકીંગ ટુકડી દ્વારા ચેકીંગ કરી પાવર ચોરી પકડી લેણું વસુલ કરવા માટે ગીર ગઢડાના બચુભાઇ ભાણાભાઇ જોળીયા, દ્રોણ ગામના ભુરાભાઇ વિરાભાઇ રાઠોડ અને ભેભા ગામના કરશન રામભાઇ સોલંકીનું ચેકીંગ પૂર્વે જ મૃત્યુ થયું હોવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. મૃતકોને પ્રતિવાદી તરીકે જોડવામાં આવ્યા હોવાથી તેઓની હયાતી નથી તેમ છતાં તેઓ દ્વારા કંઇ રીતે પાવર ચોરી કરી તે અંગેના સવાલ ઉઠયા બાદ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ખોટી રીતે દાવો દાખલ કર્યાનું ઠરાવી તમામ સામે ખોટા દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેનું ફરિયાદમાં જણાવ્યું છે.