જામનગરના એક વણીક યુવાન સાથે રાજસ્થાનના યુવતીના લગ્ન થયા પછી માત્ર દસ મહિનાના લગ્નગાળામાં પતિ, સાસુ, સસરા, કાકાજીએ તેણીને કવરાવી દીધા પછી વધુ દહેજ લાવવાની માંગણી કરી તેણીને ગર્ભાવસ્થામાં કાઢી મૂક્યાની અજમેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરની ડીકેવી કોલેજ પાછળ આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા ધૈર્ય સુધીરભાઈ ઝવેરી સાથે રાજસ્થાનના અજમેરમાં રહેતા સાહિબા સુમતિભાઈ બોહરા નામના યુવતીના લગ્ન વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં અજમેરમાં થયા પછી આ યુવતીને લગ્નના બીજા દિવસેવિદાય આપવામાં આવી હતી. પતિ, સાસુ શોભાબેન, સસરા સુધીરભાઈ કનકભાઈ ઝવેરી સાથે મોટા અરમાનો લઈને સાસરે આવેલી યુવતી પર દહેજ બાબતે અને તેણી અધાર્મિક હોવાનું કહી સાસુ શોભનાબેન ઝવેરીએ ત્રાસ વર્તાવવાનું શરૃ કર્યું હતુ. લગ્ન પહેલા સાસરી પક્ષવાળાઓએ સાહિબાના પિતા સુમતિભાઈને દહેજની વસ્તુઓ ખરીદી લેવા માટે રૃા 10 લાખ રોકડા આપી દેવાનું કહ્યું હતું તે રકમ આપવા ઉપરાંત પિતાએ પોતાની પરિસ્થિતિ મુજબ સોના-ચાંદીના દાગીના અને અન્ય કરિયાવર પણ આપ્યો હતો.
જે ફ્લેટમાં સાહિબા બેનના સાસરીયા વસવાટ કરે છે તે ફ્લેટમાં સાસુ-સસરાના રૃમની બાજુમાં જ રસોડુ આવેલું હોય અને સાસુ સવારે મોડા ઉઠતા હોવાથી સાહિબા બેનને રસોડામાં જઈ કંઈ પણ લેવાની કે અવાજ કરવાની મનાઇ કરવામાં આવી હતી. પ્રથમથી જ સાસુના દબાણ હેઠળ આવી ગયેલા આ પરણિતાને મહિનાના અમુક દિવસોમાં રસોડામાં ન જવા માટે ફરમાન કર્યું હતું તેમ છતાં એક દિવસ તરસ લાગવાથી ભૂલથી રસોડામાં ચાલી ગયેલી આ પરણિતાને સાસુએ ચોટલો પકડીને પછાડ્યા પછી પતિને ચઢામણી કરતાં પતિએ પણ ગાળો ભાંડી મારકૂટ કરી હતી. તે ઉપરાંત સસરાએ પણ પુત્રવધૂને અધાર્મિક હોવાનું અને સંસ્કાર વિનાની કહી હતી. દુખેસુખે દિવસો કાપી રહેલી આ પરણિતાને સારા દિવસો ચઢ્યા હતા તેમ છતાં તેની પાસે ઘરમાં કામવાળાની માફક કામ કરાવવામાં આવતું હતું. તેણીને પાલીતાણા લઈ જઈ ગર્ભાવસ્થા હોવા છતાં પગથિયાં ચઢાવવામાં આવ્યા હતા.તેથી તેની તબિયત લથડી હતી તેમ છતાં પુત્રવધૂ પર દયા લાવવાના બદલે સાસુ-સસરાએ અને કાકાજી સસરા કૌશિક ઝવેરીએ મેણા-ટોણા મારવાનું યથાવત રાખ્યું હતું. તે દરમિયાન સાહિબા બેન ના માતાપિતા પોતાના પુત્ર પાસે રહેવા બહારગામ ગયા હતા.
તેઓની સાથે સાસરીયા વાત કરવા પણ આપતા ન હતા. તે પછી એક વખત પુત્રીએ પોતાના પિતાને સીતમની વાત કરતા સાસરિયાઓએ તેણીને અજમેર જવા કહી દીધું હતુ.ં લાચાર પિતાએ ખૂબ સમજાવટ કરી હોવા છતાં આ પરિણીતાને ધરાર સાથે અજમેર મોકલી દેવામાં આવી હતી. તેણીનું સ્ત્રીધન પણ સાસરિયામાં જ રહી જવા પામ્યું હતું. ત્યાર પછી પિયરમાં જ આ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો તેનું મોઢું જોવા આવેલા પતિ, સાસુ, સસરા રોકાયા ન હતા. તેણીને જામનગર લઈ જવાની વાત પણ કર્યા વગર ચાલ્યા જતા પોતાનો સંસાર ફરીથી બંધાઈ જાય તેવા પ્રયત્ન આ પરિણીતાએ શરૃ કરી પિતાની મદદ મેળવી હતી. ફરીથી જામનગર આવી તેણીએ સાસરિયાઓને મનાવ્યા હતા તેમ છતાં પોતે સાધુ બની જવું છે તેમ કહી ધૈર્યએ પોતાની પત્નીને હાંકી કાઢતાં આખરે સાહિબાબેને અજમેરના પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ-સસરા, કાકાજી સસરા સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના માત્ર દસ મહિનામાં જ અને ગર્ભાવસ્થામાં તેણીને કાઢી મૂકવામાં આવી હોય. અજમેર પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.