લાલપુર બાયપાસ પાસે મોટરમાં ધસી આવેલા યુવા ભાજપ ઉપપ્રમુખે ફાયરીંગ કર્યુ
જામનગરના લાલપુર બાયપાસ પાસે મંગળવારે રાત્રે એક નગરસેવક પર મોટરમાં ધસી આવેલા યુવા ભાજપના ઉપપ્રમુખે રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. પોલીસે બે શખ્સો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૬ના નગરસેવક અતુલભાઈ ભંડેરી તથા તેમના મિત્ર મંગળવારે રાત્રે સવા બારેક વાગ્યે લાલપુર બાયપાસ પાસે આવેલી પાનની એક દુકાન નજીક ઉભા રહીને વાતો કરતા હતા. આ વેળાએ એક મોટરમાં ધસી આવેલા યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયા તથા તેની સાથે રહેલા જીજ્ઞેશ નામના શખ્સે દોટ મૂકી અતુલભાઈ નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો.
આ વેળાએ હસમુખ પેઢડિયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી હતી તે દૃશ્ય નિહાળી પરિસ્થિતિ પામી ગયેલા અતુલભાઈએ નજીકમાં જ આવેલા એક પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલી મોટર તરફ દોટ મૂકી હતી. આથી બન્ને વચ્ચેનું અંતર વધ્યું હતું ત્યારે જ હસમુખ પેઢડિયાએ રિવોલ્વર અતુલભાઈ તરફ તાકી ફાયર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંજોગોવસાત રિવોલ્વર લોડ ન થઈ શકતા અતુલભાઈએ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ શરૃ કર્યો હતો ત્યારે જ લોડ થઈ ગયેલી રિવોલ્વરમાંથી હસમુખે એક ફાયર કર્યો હતો, પરંતુ તેમાંથી વછૂટેલી ગોળી અતુલભાઈને સ્પર્શ્યા વગર પસાર થઈ ગઈ હતી.
આ વેળાએ બનાવના સ્થળે હો-હા મચી જતાં હસમુખ તથા તેનો સાગરિત જીજ્ઞેશ નાસી છૂટયા હતા. મોત ભાળી ગયેલા અતુલભાઈ મારતી મોટરે બનાવના સ્થળેથી રવાના થઈ પોતાના ભત્રીજા રોહિત ભંડેરીના ઘેર દોડી ગયા હતા જ્યાં તેઓએ આ બનાવ અંગે ભત્રીજાને વાત કર્યા પછી ફરિયાદ માટે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દોડી ગયા હતા જ્યાં તેઓની અરજી લેવાઈ હતી અને ફરિયાદ માટે સવારે આવવાનું કહેતા આજે સવારે અતુલ ભંડેરી દરબારગઢ સ્થિત સિટી-એ ડિવિઝન પહોંચ્યા હતા જ્યાં તેઓએ પીઆઈ રાઠોડ સમક્ષ આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી નાસી છૂટેલા બન્નેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ પર આઠેક મહિના પહેલા રતનબાઈ મસ્જીદ પાસે થયેલા ફાયરીંગના બનાવમાં પણ જે તે વખતે હસમુખ પેઢડિયાની સંડોવણી ખૂલી હતી ત્યાર પછી ફાયરીંગનો વધુ એક બનાવ આ શખ્સ સામે નોંધાયો છે. કોર્પોરેટર અતુલભાઈ ભંડેરી અગાઉ કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા પછી ગઈ વિધાનસભાની ચૂંટણી વેળાએ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, બીજું જોગાનુજોગ એ પણ છે કે, મંગળવારે રાત્રે ફાયરીંગના બનાવના આરોપી હસમુખ પેઢડિયા હાલમાં યુવા ભાજપના ઉપપ્રમુખ છે તેઓ પણ અગાઉ કોંગ્રેસમાં હતા