સુરતમાં વસવાટ કરતા એક યુવાન કોરોના પોઝિટિવ આવ્યા પછી હોમ આઈસોલેશનમાં હતા જ્યાંથી તેઓ ગુપચુપ રીતે નીકળી જઈ ખાનગી ટ્રાવેલ્સમાં વાયા જામનગર થઈ પોતાના વતન ભાણવડના જામરોજીવાડીમાં ઘૂસી જતા આરોગ્યકર્મીએ તેઓની સામે ગંભીર બેદરકારી દાખવવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામ રોજીવાવાડી ગામમાં બે સપ્તાહ પૂર્વે એક શખ્સ સુરતથી આવ્યો હોવાની જાણ થતા તંત્રને કોઈએ માહિતી આપી હતી. આથી દોડી ગયેલા આરોગ્ય વિભાગના કર્મચારી હસમુખભાઈ કે. રાઠોડ વિગેરે જામરોજીવાળા દોડી ગયા હતાં જ્યાં તેઓએ ચકાસણી કરતા મૂળ જામરોજીવાળાના જ અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા કેશુભાઈ મેરાભાઈ કારેણા નામના સગર યુવાન મળી આવ્યા હતાં.
તેઓની પુછપરછ કરવામાં આવતા કેશુભાઈને તેઓ જ્યારે સુરતમાં હતા ત્યારે તાવ વિગેરેની અસર દેખાતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવાતા તેઓ પોઝિટિવ હોવાનું ખુલતા તંત્રએ સુરતના સહારા દરવાજા નજીકની સ્મીમેર હોસ્પિટલમાં રાખ્યા હતાં. તે પછી કેશુભાઈને રજા આપવામાં આવ્યા પછી હોમ આઇસોલેશનમાં રહેવાની લેખિતમાં સૂચના આપવામાં આવી હતી તેમ છતાં સૂચનાનો ભંગ કરી કેશુભાઈ એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી જામનગરથી જામરોજીવાડી પહોંચી ગયા હતાં.
ઉપરોક્ત વિગતો પ્રકાશમાં આવતા આરોગ્યકર્મી હસમુખભાઈ રાઠોડે ગઈ તા. ૨૯-૬થી તા. ૦૧-૦૭-૨૦૨૦ દરમ્યાન જામ રોજીવાળામાં આવી ગયેલા કેશુભાઈ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે હોમ કોરોન્ટાઈનનો ભંગ કરી કોરોના મહામારીનો ફેલાવો થાય તેમ જાણવા છતાં પોતાના વતનમાં આવી સ્થાનિક તંત્રને જાણ નહીં કરવા અંગે આઈપીસી ૨૬૯, ૨૭૦ તેમજ ડિઝેસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.