ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે વરસાદનું અનુમાન ૧૦૦થી ઘટાડી ૯૨ ટકા કર્યું ઓગષ્ટના માત્ર ૮૮ ટકા વરસાદની શકયતા
ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસુ નબળુ રહેવાની દહેશતથી જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેવાની દહેશત વ્યકત કરી છે. અગાઉ આ સંસ્થાએ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સામાન્ય રહેશે તેવો વર્તારો આપ્યો હતો.
સ્કાઈમેટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ઓગષ્ટમાં માત્ર ૮૮ ટકા વરસાદ થશે જયારે સપ્ટેમ્બરમાં ચોમાસાનું પ્રમાણ ૯૩ ટકાનું રહેશે દેશમા વરસાદનું પ્રમાણ સરેરાશ ૯૨ ટકાનું રહેશે. ઓગષ્ટમાં ચોમાસુ નબળુ પડશે. અગાઉ સરકારની હવામાન એજન્સી દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.
અત્યારે ચોમાસુ તેના મધ્ય તબકકામાં છે. હાલના આંકડા અનુસાર ચોમાસામાં ૭ ટકાની ઘટ જોવા મળી છે. જુલાઈના પ્રથમ ત્રણ સપ્તાહમાં ચોમાસાની સ્થિતિ સારી રહી હતી. મધ્ય અને ઉતર ભારતમાં ચોમાસાની પકડ મજબુત હતી. જોકે ધીમેધીમે આ ક્ષેત્રમાં ચોમાસુ નબળુ પડવા લાગ્યું. પરિણામે જુલાઈના અંત સુધીમાં બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ સહિતના રાજયોમાં ખરીફ પાકને અસર થઈ શકે છે.
અહેવાલ મુજબ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતા ૬ ટકા ઓછો વરસાદ થયો છે. ઓગષ્ટમાં ચોમાસુ નબળુ રહેવાની દહેશત છે. પરિણામે ખેડૂતોની ચીંતામાં વધારો થતો જાય છે. સંસ્થાએ અત્યાર સમગ્ર સિઝન માટે ચોમાસાનું અનુમાન ઘટાડીને સામાન્યથી ૯૨ ટકા રહેવાનું જણાવાયું છે.
સ્કાયમેટના જણાવ્યા અનુસાર સિઝનમાં બિહારમાં ૨૦ ટકા, ઝારખંડમાં ૨૪ ટકા, અરૂણાચલમાં ૩૭ ટકા, આસામમાં ૨૭ ટકા, મેઘાલયમાં ૪૩ ટકા અને મણિપુરમાં ૬૪ ટકા ઓછો વરસાદ થયો છે. ચોમાસાને અસર કરતી સાનુકુળ ભૂમિકાની સ્થિતિમાં નથી. આથી ચોમાસાનો બીજો તબકકો પણ નબળો રહેવાની શકયતા છે.
ચાલુ વર્ષે ઉનાળામાં ગુજરાત સહિતના રાજયોમાં પાણીની ભયંકર તંગી અનુભવાઈ હતી. મધ્યપ્રદેશ નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા ડેમમાં પાણી પણ ઓછુ ઠલવાયું હતુ. જેથી ગુજરાત માટે પાણીનો એમાત્ર વિલ્પપણ છીનવાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે હવે ફરીથી ચોમાસુ નબળુ રહેવાની ભીતીથી લોકો ચિંતામાં મૂકાયા છે.