બારમાસી મસાલા ભરવાની સીઝનમાં વધુ નફો કમાવવાની લાલચમાં મરચું, હળદર, ધાણા-જીરુ સહિતની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળતા આરોગ્ય શાખા ત્રાટકી: નમુના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા
બારમાસી મસાલા ભરવાની સીઝનમાં હળદર, મરચું અને ધાણા-જીરા સહિતની ચીજ-વસ્તુમાં વધુ ઘરાકી રહેતી હોય નફો કમાવવાની લાલચમાં હાથી મસાલા દ્વારા તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીમાં બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળતા આજે મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલા સુધીર એન્ડ કંપની નામની દુકાનમાંથી હાથી મરચું પાઉડર અને હાથી હળદર પાઉડરના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, બારમાસી મસાલા ભરવાની સીઝનનો આરંભ થઈ ચુકયો છે ત્યારે મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આજે ચાર મસાલાના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથી મસાલામાં બેસુમાર ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળતા આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલ સુધીર એન્ડ કંપનીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયાંથી હાથી મરચું પાઉડર ૫૦૦ ગ્રામ પેકિંગ, હાથી હળદર પાઉડર ૫૦૦ ગ્રામ પેકિંગનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો પરીક્ષણ દરમિયાન હળદર અને મરચાનો નમુનો નાપાસ જાહેર થશે તો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથી મસાલાના સંચાલકો સામે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મસાલાની સીઝનમાં હાથી મસાલા દ્વારા તમામ પ્રકારના મસાલામાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ અગાઉ પણ અનેકવાર લોકોમાં ઉઠી છે. વધુ નફો કમાવવાની લાલચમાં હાથી મસાલાના સંચાલકો ભેળસેળના સાથી બની ગયા છે અને જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરે છે. મરચુ, હળદર અને ધાણા-જીરા સહિતની તમામ ચીજ વસ્તુઓમાં લોકોના આરોગ્યને ગંભીર પ્રકારની નુકસાની થાય તેવી ચીજ વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.
આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના રૈયા રોડ પર આઝાદ ચોકમાં ખોડિયાર મસાલા ભંડાર અને જલારામ મસાલા ભંડારમાંથી પણ હળદર સહિતના મસાલાના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મસાલા વેપારીઓને ત્યાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.