૨૦ કોલેજના ૫૦ થી વધુ સ્પર્ધકોએ ફ્રિ સ્ટાઈલ, બ્રેક સ્ટ્રોક અને બટરફલાય સ્પર્ધામાં ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ સ્પર્ધા અંતર્ગત એમ.એન.વિરાણી સાયન્સ કોલેજના સંચાલન હેઠળ મહર્ષિ દયાનંદ સ્વામી સ્નાનાગાર ખાતે તરૂણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૨૦ કોલેજોના ૫૦ થી વધુ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ફ્રિ સ્ટાઈલ, બેક સ્ટ્રોક, બટરફલાય વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. કુંડલીયા કોલેજની વિદ્યાર્થીની પ્રિયા કાચાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૨૦૦ મીટર ફ્રિ સ્ટાઈલમાં તેમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સ્વિમીંગને લગતી દરેક સ્પર્ધા, નેશનલ સુધી તેમને ભાગ લીધેલ છે અને રેન્ક પણ પ્રાપ્ત કરેલ છે. ખાસ તો તેઓ છેલ્લા ૧૫ વર્ષથી સ્વિમીંગ કરે છે. તેમણે રોજે એકથી દોઢ કલાક જેટલી પ્રેકટીશ કરેલ હતી.
કણસાગરા કોલેજની વિદ્યાર્થીની ઠાકર આસ્યાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષથી તેઓ સ્વિમીંગ સાથે જોડાયેલા છે. ખાસ તો તરણ સ્પર્ધામાં ભાગ લઈને તેમણે ખુબ જ ગૌરવ અનુભવાય છે. ખેલમહાકુંભ ઉપરાંત સ્કુલની પણ અનેક તરણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેઓની પ્રેકટીશનો સમય રોજ સાંજે બે કલાકનો છે. ખાસ તો તેમના વાલી અને કોલેજ તરફથી સારી એવી સફળતા મળે છે. એમનો ગોલ તેમના વાલી, કોલેજ અને રાજકોટનું નામ રોશન કરવાનો છે.
એમ.એન.વિરાણી કોલેજનાં વિદ્યાર્થી યુવરાજ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ૧૧ વર્ષથી સ્વિમીંગ કરી રહ્યા છે. ઉપરાંત નેશનલમાં તેમણે પાંચ મેડલ મેળવેલા છે. રોજ સવાર-સાંજ ૮:૦૦ કલાક તેઓ પ્રેકટીશ કરે છે. તેમના ગોલ વિશે જણાવ્યું કે, ઈન્ટરનેશનલ લેવલે ઈન્ડિયાએ રીપ્રેસેન્ટ કરવું. કોલેજ અને પેરેન્ટસ તરફથી ખુબ જ સારો સપોર્ટ છે તેથી તેઓ આ કક્ષા પર છે.
એમ.એન.એમ વિરાણી કોલેજનાં પ્રિન્સીપાલ વી.બી.લાડવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત આ તરણ સ્પર્ધામાં ૨૦ કોલેજના ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો. સ્પર્ધકોની કુલ સંખ્યા ૫૦ છે. દર વર્ષે આંતર કોલેજ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફ્રિ સ્ટાઈલ, બેકસ્ટ્રોક, બટર ફલાય જેવી સ્પર્ધાનું આયોજન થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૨૫મી વખત આ આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા ૨૧ વર્ષથી એમ.એન.એમ વિરાણી સાયન્સ કોલેજ દ્વારા સંચાલન કરવામાં આવે છે. હવે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાળકો નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ નામ રોશન કરે તેવી આશા પણ વ્યકત કરી હતી.