ઝોન-૧, ૩, ૭ અને ૮ માટે સ્પર્ધા યોજાઈ: અન્ય ૪ ઝોનની સ્પર્ધાનો ૨૮મીથી પ્રારંભ થશે
રાજકોટમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ જિલ્લા સંચાલિત શહેરી કક્ષાનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે યોજાયેલી વિવિધ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં શહેરનાં ઝોન-૧, ૩, ૭ અને ૮ મળીને કુલ ૪ ઝોનની સ્પર્ધા હેમુગઢવી હોલ અને બાલભવન ખાતે યોજાઈ હતી જેમાં નિબંધ, ચિત્રકલા, વકતૃત્વ, સમુહગીત, ગરબા, રાસ, લોકનૃત્ય, લગ્નગીત, તબલા, એક પાત્રીય અભિનય, ભરત નાટયમ્ જેવી વિવિધ સ્પર્ધામાં જુદા-જુદા ગ્રુપનાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો અને આ નૃત્ય જોઈને આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ગઈકાલે મહાકુંભનો પ્રથમ દિવસ હતો જોકે હવે ઝોન ૪નો વોર્ડ નં.૮ અને ૯નો કલામહાકુંભ જી.કે.ધોળકિયા સ્કુલ, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે ૨૮મી જાન્યુઆરીએ યોજાશે અને ત્યારબાદ ૨૯મી જાન્યુઆરીએ પણ ઝોન ૪નો બાકી રહેલો કલામહાકુંભ યોજાશે. આ ઉપરાંત ઝોન-૫નો કલા મહાકુંભ આગામી તા.૩૦-૩૧મી જાન્યુઆરીએ કે.જી.ધોળકિયા સ્કુલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ ખાતે યોજાશે ત્યારબાદ ઝોન-૬નો કલા મહાકુંભ એલ.જી.ધોળકિયા સ્કુલ, કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ ખાતે તા.૩-૪ ફેબ્રુઆરી ૨૦૨૦નાં રોજ યોજાશે.
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ જિલ્લા સંચાલિત કલા મહાકુંભમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિવિધ ૧૧ ઈવેન્ટમાં એઈઝ ગ્રુપનાં ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હવે આગામી અન્ય ૪ ઝોનની સ્પર્ધા ૨૮મી જાન્યુઆરીથી પ્રારંભ થશે અને ૪ ફેબ્રુઆરીએ પૂર્ણ થશે.
મોટી સંખ્યામાં ગઈકાલે હેમુગઢવી હોલમાં સ્પર્ધકોની કૃતિ જોવા લોકો ઉમટી પડયા હતા અને કૃતિઓમાં ભરત નાટયમ્, સમુહ ગીત અને એક પાત્રીય અભિનય જોઈને લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.