- 400 થી વધુ બાળ ખેલાડીઓ પ્રતિભા દર્શાવશે: કાલથી અન્ડર -17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે
- રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરૂ સબ જુનિયર હોકી સ્પર્ધામાં
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ સંચાલિત તથા હોકી રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત રોજ પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી ઇન્ટર ડીસ્ટ્રીકટ સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400 થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ શ્રી મહેશ દિવેચાએ જણાવ્યું છે.
સમગ્ર રાજ્યમાંથી જિલ્લા શાળાકીય સ્પર્ધામાં વિજેતા ટીમો વચ્ચે રાજકોટ ખાતે રાજ્ય કક્ષાનો મુકાબલો થવા જઈ રહ્યો છે. જેમાં આજે ક્વાર્ટર ફાઈનલ તેમજ સેમી ફાઈનલ મેચ રમવામાં આવી રહી છે. કાલ તા. 19 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મેચ રમવામાં આવશે. જેમાં વિજેતા ટીમ નેશનલ લેવલે દિલ્હી ખાતે ભાગ લેશે. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ આગામી તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ હોસ્ટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. અહીં તેઓને ભોજન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.