મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સોમનાથ ખાતે મહત્વની જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે ભારે વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર ચુકવવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે સોમનાથ ખાતે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુકાવી પૂજન અર્ચન કર્યું હતું. બાદમાં તેઓએ સોમનાથ ખાતેથી જણાવ્યું હતું કે ગુજરાત કોરોના મુક્ત બને એ માટે પ્રાર્થના કરી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયુ હશે તો ધારાધોરણ મુજબ વળતર ચૂકવાશે. મુખ્યમંત્રીએ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે થયેલા પ્રયાસો અને કોરોના ગ્રસ્ત દર્દીએઓને અપાતી સારવારની સમીક્ષા કરી હતી. સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ બેઠક કરી હતી
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. તેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હતા. જેના લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વળતરની જાહેરાત કરી છે. વળતર અંગે વધુ કોઈ વિગત મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામા આવી ન હતી. જેથી આગામી સમયમાં વળતર અંગેની વિસ્તૃત જાહેર થાય તેવી શકયતા સેવાઇ રહી છે.