જોડિયા પંથકમાં વધુ વરસાદ વરસ્યો હતો. પરિણામે વ્યાપક નુકસાની થઈ હતી. આ અંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી સહાય ચૂકવવા માંગણી કરી છે.
તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે, જોડિયા પંથકમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે. આથી ખેડૂતોને સહાય આપવી જોઈએ.
આ ઉપરાંત વધુમાં રજૂઆત કરતા જણાવ્યું કે, માધાપર સંપથી મોરાણા સુધી પીવાના પાણીની લાઈન નાખવી, આજી-સિંચાઈ યોજના-૪ ના હેઠવાસના બન્ને સાઈડના કાંઠા બાંધવા અને બાલંભા, ભીમકટાના જુના રસ્તા પાસેથી આજી નદીનો અલગ પડતા ફાંટાને ઉંડા ઉતારવા, બાવળોની ઝાડી દૂર કરવા, આજી સિંચાઈ યોજનાની ડાભી સાઈડની માઈનોર કેનાલ નંબર ૩ ની લંબાઈ વધારવા, રણજીતપર ગામે પૂરથી તૂટી ગયેલ, ત્યાં પૂર સરંક્ષણનો પાળો બાંધવા માંગણી છેે. બાલંભા ગામે આવેલ ક્ષાર અંકુશ યોજનાને લીધે ખેડૂતોને ખેતરે જવાના રસ્તા ઉપરના પુલીયા તૂટી જવા અંગે ભીમકટા ગામે બંધ પડેલ આયુર્વેદિક દવાખાનું ફરી શરૃ કરવા, બેરાજાથી વાવડી નેસડા સુધીનો રસ્તો રીકાર્પેટ તેમજ પુલીયા રીપેરીંગના કામ, બેરાજા-બારાડી સુધીના રસ્તાને રીપેર કરવા, બેરાજાથી ફલ્લા સુધીનો રસ્તો રીપેર કરવા, સોયલના પાટિયાથી નથુ વડલા માજોઠ અને આણંદ સુધીના હૈયાત રસ્તાને રીકાર્પેટ કરવા, નેસડા પાટિયાથી ગામ સુધીના રસ્તાને રીકાર્પેટ કરવાનું કામ કરવા આ સાથે માંગણી કરવામાં આવી છે.
જામનગરમાં વરસાદી પાણીના ખાડાથી બીમારી ફેલાવાની દહેશત
જામનગરમાં ભારે વરસાદ પછી ઠેર-ઠેર ગંદકી અને પાણીથી ખાડા ભરેલા છે. તેની સફાઈ કરાવવા માટે મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. જો સફાઈ કરવામાં નહીં આવે તો બિમારી ફેલાવવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જામનગરના ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ મ્યુનિ. કમિશ્નરને રૂબરૂ આવેદન પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ખાડાઓ ભર્યા છે. જ્યાં મચ્છરો ઉત્પન્ન થવાની અને ડેન્ગ્યુ જેવી બિમારી ફેલાવવાની શક્યતા છે. હાલ કોરોનાની બિમારી સામે લોકો અને તંત્ર ઝઝુમી રહ્યાં છે, ત્યારે ડેન્ગ્યુની બિમારી વકરશે તો હોસ્પિટલમાં કામગીરીનું ભારણ વધશે. આથી સત્વરે શહેરમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવાની જરૂર છે.