શિયાળાની સિઝન લીલા-તાજા અને સસ્તા શાકભાજીની ગણાય છે. જો કે આ વર્ષે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. રાજકોટ યાર્ડમાં જે ભાવે શાકભાજી મળી રહ્યા છે. તે હાલ બમણાથી ચાર ગણા વધુ ભાવે મળી રહ્યા છે. તેમાં પણ આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ડુંગળી, ટમેટા અને લીંબુના ભાવ બમણા જ્યારે કોથમરીના ભાવ ચાર ગણા વધી ગયા છે.
કોથમરીના ભાવ ગત વર્ષની સાપેક્ષે ચાર ગણા થઇ ગયા: કમોસમી વરસાદ વરસતા ભાવમાં સતત વધારો
કોથમરીના ભાવ ગત વર્ષની સાપેક્ષે ચાર ગણા થઇ ગયા છે. લીલા મરચાના ભાવ બમણા થઇ ગયા છે. આ વખતે હવામાનના કારણે ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતમાં કેટલાક જીલ્લાઓમાં વધુ તાપમાન નોંધાયું હતું. હાલમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. જેને લઇને ભાવ આસમાને પહોંચ્યા છે.
આ વર્ષે આજ સુધીમાં ચણાનું વાવેતર 3.14 લાખ હેક્ટરમાં થયું હતું. સમગ્ર રાજ્યમાં તેનું વાવેતર સરેરાશ 775 લાખ હેક્ટરમાં થાય છે. તેના ભાવમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સમયમાં જથ્થાબંધ 20ના કિલો મળતા જીંજરા હવે રૂ.45ના મળી રહ્યા છે. છૂટક બજારમાં તેનો ભાવ ત્રણ ગણો થઇ ગયો છે.
ગત વર્ષના અને આ વર્ષના ભાવ
શાકભાજી | 2022 (ભાવ) | 2023 (ભાવ) |
લીંબુ | 100થી 500 | 350 થી 700 |
ડુંગળી | 130 થી 370 | 350 થી 750 |
ટમેટા | 100 થી 400 | 650 થી 690 |
કોથમરી | 100 થી 300 | 950 થી 1450 |
રીંગણા | 100 થી 200 | 150 થી 330 |
બટેટા | 150 થી 360 | 160 થી 480 |
લીલા મરચા | 150 થી 420 | 450 થી 850 |