કોર્પોરેટ બાબતોનું મંત્રાલય એમજી મોટર ઇન્ડિયા અને વિવોના ખાતાની તપાસ શરૂ કરવાની ભલામણ કરી શકે છે. આરઓસીએ એક વર્ષ પહેલા તપાસ હાથ ધરી હતી અને હવે તે તપાસનો અહેવાલ સુપરત કર્યો છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે અંદરખાને અનેક ચીની કંપનીઓની તપાસ હાથ ધરી, હવે ગમે ત્યારે બેન્ક ખાતા સહિતની સત્તાવાર તપાસ થવાના એંધાણ

એમજી મોટરની તપાસ ઓક્ટોબર 2022માં શરૂ થઈ હતી.  તે સમયે કંપનીએ કહ્યું હતું કે, અમને 2019-20ના વાર્ષિક અહેવાલમાં કામગીરીના પ્રથમ વર્ષના નુકસાન અંગે સ્પષ્ટતા માંગતી નોટિસ મળી છે.  રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) દ્વારા સબમિટ કરાયેલ તપાસ રિપોર્ટમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા.  કરચોરી, બિલિંગમાં અનિયમિતતા અને અન્ય નાણાકીય ગેરરીતિઓ મળી આવી હતી.  આરઓસી રિપોર્ટ પછી, એમસીએ તપાસ માટે આદેશ જારી કરી શકે છે.  આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે જેએસડબ્લ્યુ અને શાંઘાઈની એસએઆઇસી મોટર કોર્પ એમજી મોટરમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે.

જો કે, તેના જવાબમાં, ઓટો કંપનીએ નિયમોનું સંપૂર્ણ પાલન કરવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.  એમજી મોટરે કહ્યું કે કંપનીએ હંમેશા પારદર્શિતા જાળવી રાખી છે.  એમજી મોટર ઈન્ડિયાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, ‘કોઈ પણ ઓટોમોબાઈલ કંપની માટે તેના ઓપરેશનના પ્રથમ વર્ષમાં નફો મેળવવો મુશ્કેલ છે.’

વિવો અધિકારીઓની ધરપકડથી ભારતમાં કંપનીની કાનૂની મુશ્કેલીઓ વધી છે.  નવેમ્બર 2022ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક અંદાજ મુજબ, સરકાર ભારતમાં કાર્યરત લગભગ 400-500 ચીની કંપનીઓની તપાસ કરી રહી છે.

આ સિવાય એક અલગ કેસમાં કંપની મંત્રાલય ચીની સ્માર્ટફોન કંપની વીવોના ખાતાની તપાસનો આદેશ પણ આપી શકે છે.  લગભગ એક મહિના પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગના કેસમાં આ ઉદ્યોગના ચાર એક્ઝિક્યુટિવ્સની ધરપકડ કરી હતી, જેમાં આ કંપની માટે કામ કરતા એક ચીની નાગરિકનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.