કોરોનાએ ‘બ્રાન્ડસ’ને સફાળી જગાડી
એક તરફ મહામારી અને બીજી તરફ ગળાકાંપ હરિફાઈ વચ્ચે લોકો બ્રાન્ડને ઝડપથી ભૂલી જાય તેવા ડર વચ્ચે કંપનીઓને જાહેર ખબરના બજેટ પણ કરવા પડશે મોટા
કોરોનાની મહામારીના પગલે વૈશ્વિક વ્યાપાર મુશ્કેલીમાં મુકાઈ ગયા બાદ હવે સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓ સામે નવી આફતો આવીને ઉભી છે. લાંબા સમયથી લોકડાઉનના કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા છે. કોઈ એક જ બ્રાન્ડ વાપરતા હોવાનો મોહ એક તરફ મુકી લોકો જે મળે તે બ્રાન્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. પરિણામે થોડા મહિનાઓ પહેલા મોટો ગ્રાહક વર્ગ ધરાવતી કંપનીઓ માટે અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો છે. હવે ફરીથી લોકો સુધી પહોંચવા માટે કંપનીઓ જાહેર ખબરનો મારો ચલાવવા સજ્જ બની છે.
દેશમાં લોકડાઉન-૪ની અમલવારી વચ્ચે જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. ધીમીગતિએ વેપાર-વાણીજ્ય ધમધમી રહ્યાં છે. લોકડાઉન બાદની સ્થિતિ અસમંજસ હશે તેવી ભીતિના પગલે કેટલીક કંપનીઓએ જાહેર ખબર ઉપર રોક લગાવ્યો હતો. પરંતુ હવે કંપનીઓ બે ગણી તાકાતથી ફરીથી બજારમાં જાહેર ખબરનો મારો ચલાવવા સજ્જ બની છે. મોલ અને રિટેલ દુકાનો ફૂલ ફલેજમાં શરૂ થઈ જાય તેની રાહ જોવાઈ રહી છે. વર્તમાન સમયે ગ્રાહકોના માનસ પટલ પર છવાઈ જવાની જરૂર ઉભી થઈ છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફાસ્ટ મુવી ક્ધઝયુમર ગુડ્સ કંપનીઓ એટલે કે, એફએમસીજી સેકટર દ્વારા પેકેજીંગ ફૂડ, રોગ પ્રતિકારક શક્તિ વધારતી હાઈજેનીક પ્રોડકટની જાહેરાતોનું પ્રમાણ વધશે. ઈલેકટ્રોનિકસ અને સ્માર્ટ ફોનના ઉત્પાદકો નવા લોન્ચ થનારી પ્રોડકટમાં પુરજોશથી જાહેર ખબર આપશે. દિવસ પછીના દિવસમાં લોકોની માંગને પહોંચી વળવાની સાથો સાથ લોકો સુધી પ્રોડકટની વિગતો પહોંચાડવી પણ જરૂરી બનશે. સામાન્ય રીતે લોકડાઉનના કારણે વર્ષોથી અમુક બ્રાન્ડને વફાદાર રહેલા ગ્રાહકો અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. આવા સમયે જો લોકોના માનસ પટલ ઉપરથી છબી વિસરાઈ જાય તો બ્રાન્ડને ટકવું ખુબજ મુશ્કેલ બની શકે જેના માઠા પરિણામો લાંબા સમય ભોગવવા પડે તેવી ભીતિ છે. આ વાતને કંપનીઓ સારી રીતે જાણે છે. જેથી બજારમાંથી ફેંકાઈ ન જવાય તે માટે જાહેર ખબરનો મારો ચલાવવામાં આવશે.
જીયોમી, ગોદરેજ, વીવો સહિતની બ્રાન્ડસ વધુ પ્રમાણમાં જાહેરાતો આપશે. ખાસ કરીને ડાબર મારીકો અને અમુલ જેવી કંપનીઓ પણ ગ્રાહકોને પોતાની નવી પ્રોડકટ અંગે માહિતગાર કરવા વધુને વધુ જાહેર ખબર આપશે. આ કંપનીઓ દ્વારા છેલ્લા બે મહિનામાં ડઝનબદ્ધ પ્રોડકટ લોન્ચ કરવામાં આવી હતી. વર્ષોથી લોકોના મનમાં ઠંડા મતલબ કોકો-કોલા, પહેલે ઈસ્તમાલ કરે ફીર વિશ્ર્વાસ કરે – ઘડી, આહ સે આહ તક – મુવ, સબકી પસંદ – નિરમા જેવી ટેગલાઈન વસેલી હતી. જો લાંબા સમય સુધી ગ્રાહકો બ્રાન્ડથી દૂર રહે તો ગમે તેવી સારી ટેગલાઈન પણ ગ્રાહકો ભૂલી જાય માટે ગ્રાહકને મનમાં યાદ રખાવવા માટે જાહેર ખબરનો મારો કંપનીઓ માટે ખૂબજ આવશ્યક બની જાય છે.
નિષ્ણાંતોના મત મુજબ જે બ્રાન્ડની ઈમેજ નથી, નવા આઈડિયા નથી અને લોકો સાથે જોડાયેલી નથી તેવી બ્રાન્ડ ટૂંકાગાળામાં માર્કેટમાંથી અલીપ્ત થઈ જાય છે. નાઈક, એપલ, ટાટા સ્ટીલ, હેપ્પીડેન્ટ જેવી બ્રાન્ડની જાહેરાતોમાં સામાન્ય રીતે સ્ટોરી લાઈન સામેલ હોય છે. આ સ્ટોરી લાઈન થકી ગ્રાહકોના મનમાં બ્રાન્ડ વસી જતી હોય છે. ઘણી પ્રોડકટ એવી છે જે પોતાના ટેગ કે સ્ટોરી લાઈન રજૂ કરવાના અવનવા આઈડિયાના કારણે લોકોના મનમાં આજે પણ જીવીત છે.
નોંધનીય છે કે, જાહેર ખબરનો બિઝનેશ અબજોનો છે. જો કે, મહામારીના કારણે કંપનીઓને આર્થિક ખોટ જવાથી જાહેર ખબર બિઝનેશ પર અસર થશે તેવી માન્યતા સદંતર ખોટી છે. કંપનીઓ મહામારીમાં કોઈપણ ભોગે પીછેહટ કરી શકે તેવી સ્થિતિ નથી. આગામી સમયમાં બે ગણી તાકાત સાથે કંપનીઓ પ્રિન્ટ, ડિઝીટલ કે ટીવીના માધ્યમથી જાહેર ખબરો લોકો સુધી પહોંચાડશે અને પોતાની વિવિધ પ્રોડકટ અંગે માહિતગાર કરશે.
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો ટોચના ક્રમે સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં કંપનીઓને બહોળો ગ્રાહક વર્ગ મળી રહે છે. બીજી તરફ કંપનીઓ વચ્ચે ગળાકાંપ હરિફાઈ પણ થાય છે. કોઈ કંપનીની પ્રોડકટ લોકો સુધી પહોંચે તે માટે સૌથી સરળ માધ્યમ જાહેર ખબરનું છે. લોકડાઉનના કારણે જનજીવન પર એક લાંબા ગેપની અસર થઈ છે. લોકો કોઈ એક બ્રાન્ડને સમર્પિત રહ્યાં નથી. આવા સંજોગોમાં ગ્રાહક બ્રાન્ડને ભૂલી ન જાય તે સુનિશ્ર્ચિત કરવું કંપનીઓ માટે જરૂરી બની જાય છે. મોટી કંપનીઓ દાયકાઓથી મસમોટા બજેટ સાથે જાહેર ખબરો આપે છે. ટીવી, અખબારો, રેડીયો સહિતના માધ્યમથી જાહેર ખબરો લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી. હવે ડિજીટલ માધ્યમ પણ જાહેર ખબર માટે ખુબજ અસરકારક માનવામાં આવી રહ્યું છે. ડિજીટલ માધ્યમ થકી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગ્રાહકોને આકર્ષે છે.
વર્તમાન સમયે ભારતમાં જાહેર ખબર ઈન્ડસ્ટ્રીઝ મોટી છે. અત્યાર સુધી દર વર્ષે ૧૦ ટકાથી વધુના દરે જાહેર ખબર ઈન્ડસ્ટ્રીનો વિકાસ થતો આવ્યો છે. આગામી સમયમાં પણ જાહેર ખબર ઈન્ડસ્ટ્રીનો વિકાસ આવી જ રીતે થાય તેવી આશા છે. કોરોના મહામારીએ ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર ગંભીર અસર પાડી છે. ઉત્પાદન લાંબા સમયથી બંધ રહ્યાં બાદ ધીમી ગતિએ ધમધમી રહ્યાં છે. સપ્લાય ચેઈન પણ ખોરવાઈ છે પરંતુ લોકો કોરોના વાયરસ સાથે જીવતા થશે એટલે આપોઆપ ફરીથી બજારો ધમધમશે. મંદીનો ઓછાયો દૂર થશે, મહામારીની આર્થિક અસર તો લાંબા સમય સુધી જોવા મળશે પરંતુ કંપનીઓને અસ્તિત્વ ટકાવવાની જંગ વધુ ગંભીર રીતે લડવી પડશે. મસમોટા બજેટથી નહીં પરંતુ જાહેર ખબરોમાં યોગ્ય ક્ધટેન્ટ પણ કંપનીઓ માટે મહત્વના રહેશે. માટે આગામી સમયમાં જાહેર ખબરોનું સેકટર કંઈક નવા રંગરૂપમાં વધુ તિવ્રતાથી સામે આવે તેવી શકયતા છે.
કોરોના ગ્રાહકોની માનસિકતા બદલી નાખશે?
કોરોના મહામારીથી બચવા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે બ્રાન્ડ તરફ લોકોની માનસીકતા બદલાઈ જાય તેવી શકયતાઓ છે. કોઈ એક ગ્રાહક અગાઉ જે બ્રાન્ડની પ્રોડકટનો ઉપયોગનો આગ્રહ રાખતો હોય તે વૈકલ્પીક તરીકે અન્ય બ્રાન્ડ તરફ વળી જાય તેવી શકયતાઓ છે. લોકડાઉનના કારણે સપ્લાય ચેઈનને અસર હોવાથી ગ્રાહકો કોઈ એક બ્રાન્ડ તરફ હજુ વફાદાર ઓછા છે. આવા સમયમાં જો ગ્રાહકો બ્રાન્ડને ભૂલી જાય તો કંપની માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. લોકોની માનસીકતા ઉપર મહામારીની આડઅસર થાય તેવી સંભાવના છે. આર્થિક કારણોસર પણ ગ્રાહક અગાઉ જે પ્રોડકટનો ઉપયોગ કરતો હતો. તેના સ્થાને અન્ય પ્રોડકટનો ઉપયોગ કરવા લાગે તેવી ભીતિ પણ છે. અલબત જાહેર ખબર થકી બ્રાન્ડ ફરીથી આવા ગ્રાહકના મનમાં પોતાની વિશ્ર્વસનીયતા જગાવી શકે છે અને પોતાની પ્રોડકટ ખરીદવા તરફ વાળી શકે છે.
મોટી કંપનીઓ અને મલ્ટી નેશનલસ મોટા બજેટ સાથે જાહેર ખબર માર્કેટ ધમધમાવવા તૈયાર
મહામારીના પગલે વૈશ્ર્વિક માર્કેટ ભલે મંદ પડ્યું હોય પરંતુ આગામી સમયમાં ગ્રાહકોની માંગ અને તહેવારોની સીઝનને અનુલક્ષીને મોટી કંપનીઓ તેમજ મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા મોટા બજેટ સાથે ધમધમવાની તૈયારી થશે. પ્રિન્ટ, સોશિયલ મીડિયા, રેડિયો કે ટીવી ચેનલમાં જાહેર ખબર માટે મોટા બજેટ ફાળવાશે. લોકોના માનસ પટલ ઉપર છવાઈ જવા માટે કંપનીઓની જાહેર ખબરને લઈને આગામી રણનીતિ ખુબજ મહત્વનો ભાગ ભજવી જશે. ભારત મોટુ માર્કેટ છે. મલ્ટી નેશનલ કંપનીઓ આ વાત સારી રીતે જાણે છે. લોકડાઉનના સમયમાં ભારતીય ગ્રાહકોની લાગણીઓમાં ઘણો ફેર જોવા મળ્યો છે. માટે આગામી સમયમાં મલ્ટીનેશનલ પણ ખુબ મોટા બજેટ સાથે જાહેર ખબર માર્કેટને ધમધમાવશે.
કંપનીઓ ગ્રાહકો સાથેનો વિશ્વાસ કેળવવામાં નિષ્ફળ
ઘણી નામાંકીત કંપનીઓ પણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના દાખલા છે. ગ્રાહકને પ્રોડકટ ખરીદવા માટે આકર્ષીત કરવાની સાથો સાથ ગ્રાહક સાથે સંબંધ પણ રહે અને વિશ્ર્વસનીયતા પણ કેળવાય તે જરૂરી હોય છે. પરંતુ જાહેર ખબરમાં અપાયેલી વિગતો કરતા પ્રોડકટ કંઈક અલગ જ હોય અથવા તો દાવા મુજબ પ્રોડકટની અસર ન હોય ત્યારે ગ્રાહકનો વિશ્વાસ ડગમગી જતો હોય છે. કંપનીઓ આવા સમયે ગ્રાહકના હિતને ધ્યાને રાખી જાહેરાત કરે તે જરૂરી છે.
ગ્રાહકો સાથેનો વેપાર વધારવા સીએસઆર એક્ટિવીટી અતિમહત્વની
ગ્રાહકોનો વિશ્વાસ કેળવાય રહે તે માટે કંપનીઓ દ્વારા સીએસઆર એક્ટિવીટી ખુબજ મહત્વની છે. સમાજ પ્રત્યે કંપનીઓ પોતાનું યોગદાન આપી શકે તે માટે સીએસઆર એક્ટિવીટી કરવામાં આવતી હોય છે. ગ્રાહકો સાથે વેપાર વધારવા માટે સૌથી મહત્વની બાબત છે કે ગ્રાહકોનો વિશ્વાસ કંપનીમાં જળવાઈ રહે. આ વિશ્વાસ કેળવવા સીએસઆર એક્ટિવીટી અગત્યનું પાસુ બની જાય છે. વર્ષોથી ઘણી કંપનીઓ સીએસઆર એક્ટિવીટી થકી ગ્રાહકોમાં પોતાની છબી સારી રાખવા પ્રયત્નો કરી રહી છે. આવા પ્રયત્નોને ભવિષ્યમાં વેગ મળી શકે છે.