ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના હાજર રહ્યા
દરેકનું સપનું હોય છે પોતાનું ઘર બનાવવાનું અને ત્યારે કેશોદ સિંધી સમાજે એક નવી પહેલ કરી છે. સિંધી સમાજના લોકોને પહોંચી શકાય તેવા ભાવે યોગ્ય અને સુવિધાયુકત મકાનો બનાવવામાં આવ્યા હતા. જેનું લોકાર્પણ કેશોદ સિંધી સમાજના વરિષ્ઠ આગેવાન શંકરદાસ કેવરાણીના શુભ હસ્તે કરાયું હતું. લીલાશાહ પાર્કમાં સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન થઈ શકે તેવા ઉમદા ઉદેશ્યથી સોસાયટી વચ્ચે કોમ્યુનિટી હોલનું ભવ્ય નિર્માણ કરી તેનું ઉદઘાટન અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટ્રીય પ્રમુખ કાળુભાઈ સુખવાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ઉના નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઈશ્ર્વરલાલ જેઠવાણી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ હિરાલાલ કારીયા, ઉના પીપલ્સ બેંકના ચેરમેન વિજયભાઈ કમવાણી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા જુલેલાલ સેવા સમિતિના મહેન્દ્રભાઈ કેવરાણી, જેન્તીલાલ આહરા, નિમેષભાઈ લાલવાણી સહિતે સમાજના સર્વે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સિંધી સમાજના પ્રદેશ મહામંત્રી અને ઉનાના જાણીતા પત્રકાર કમલેશભાઈ જુમાણીએ કરેલ હતું.