• ડેપ્યૂટી મેયર ટીકુભાના વોર્ડમાં વિકાસ કાર્યોનો વરસાદ

કોર્પોરેશનના ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા)ના મતવિસ્તાર એવા વોર્ડ નં.3માં વિકાસ કામોનો વરસાદ થઇ રહ્યો છે. વોર્ડના રેલનગર વિસ્તારમાં રૂ.11.84 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર અને શહેરનું પ્રથમ સિટી ટી.બી. સેન્ટર બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને અટલ સરોવર ખાતે મળનારી ખડી સમિતિની બેઠકમાં 57 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.19ના ફાઇનલ પ્લોટ નં.8-એ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવા માટે રૂ.8.62 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. વિનય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ નામની એજન્સીએ 0.89 ટકા ઓન સાથે આ કામ રૂ.8.70 કરોડમાં કરી આપવાની ઓફર આપી હતી. જે સિટી એન્જીનીંયરના અભિપ્રાય મુજબ યોગ્ય લાગતા ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કોમ્યુનિટી હોલમાં કુલ 3002 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ બનાવવામાં આવશે. રેલનગર અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને શ્રેષ્ઠ સુવિધા મળી રહેશે.

આ ઉપરાંત વોર્ડના રેલનગર વિસ્તારમાં જ રૂ.3.14 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર અને શહેરનું પ્રથમ સિટી ટી.બી. સેન્ટર બનાવવામાં આવનાર છે. જેનું 3.23 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. 944.60 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પ્રથમ માળનું બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે કુલ ત્રણ એજન્સીઓ ઓફર આપી હતી. એલ-1 ગાયત્રી એન્ટરપ્રાઇઝે 2.70 ટકા ઓછા ભાવે રૂ.3.14 કરોડમાં કામ કરી આપવાની ઓફર આપી હોય આ ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.

કાલે અટલ સરોવર ખાતે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના અલગ-અલગ વોર્ડમાં સ્માર્ટ સોસાયટીઓને ચુકવાતી ગ્રાન્ટમાં વધારો કરવા, સ્મશાનનું સંચાલન સંભાળતી સામાજીક સંસ્થાઓને હાલ ચુકવાતી માસિક ગ્રાન્ટમાં વધારો કરવા, નવા બાંધકામ માટે વસૂલવામાં આવતી ચાર્જેબલ એફએસઆઇમાં નવી નીતી કરવા, વોર્ડ નં.3માં ગુમાનસિંહ શોપિંગ સેન્ટર, પોપટપરા મેઇન રોડ અને વાલ્મિકી આવાસ યોજનાની સામે જ્યારે વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી મેઇન રોડ અને વોર્ડ નં.17માં નંદા હોલ પાસે કોઠારિયા રોડ પર હૈયાત જૂના કલવર્ટના સ્થાને નવા સ્લેબ કલવર્ટ બનાવવા ખર્ચ મંજૂર કરવા, વોર્ડ નં.4માં ટીપીના અલગ-અલગ રોડને ડેવલપ કરવા સહિતની 57 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

  • કોમ્યુનિટી હોલ માટે રૂ.8.70 કરોડ જ્યારે આરોગ્ય કેન્દ્ર અને સિટી ટી.બી. સેન્ટર માટે રૂ.3.14 કરોડનો ખર્ચ
  • મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
  • મેયર અને સ્ટે.ચેરમેનના પી.એ.ની પોસ્ટ  અપગ્રેડ થશે: સેક્રેટરી શાખાનું નવું મહેકમ બનશે

કોર્પોરેશનની સેક્રેટરી શાખામાં હાલ 30 કર્મચારીઓનું સેટઅપ છે. જે 25 વર્ષ પહેલા એટલે કે 1999માં મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં હવે ફેરફાર કરવામાં આવનાર છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પી.એ.ની પોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે. પી.એ. હવે પી.એસ. તરીકે ઓળખાશે. હાલ સેક્રેટરી શાખામાં એક સેક્રેટરી, એક ડેપ્યૂટી સેક્રેટરી, એક આસિસ્ટન્ટ સેક્રેટરી, એક પી.એ. ટુ મેયર, એક પી.એસ. ટુ મેયર, બે હેડ ક્લાર્ક, બે સિનિયર ક્લાર્ક, 6 જુનિયર ક્લાર્ક, એક નાયક અને 12 પટ્ટાવાળાનું મહેકમ છે. જેમાં પી.એ. ટુ મેયર, પી.એ. ટુ ચેરમેન, સ્ટેનો ટુ મેયર અને નાયકની જગ્યા રદ્ કરવામાં આવશે. જ્યારે પી.એસ. ટુ મેયર અને પી.એસ. ટુ ચેરમેનની નવી જગ્યા ઉપસ્થિત કરવામાં આવશે. ભરતી માટેના નિયમોમાં સુધારો થશે.

સાગઠીયા અને ખેર સામે ફોજદારી કેસ ચલાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠીયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે ફોજદારી કેસ ચલાવવાની મંજૂરી આપતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિ.કમિશનર દ્વારા મોકલવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડમાં કોર્પોરેશનના આ બંને ક્લાસ-1 અધિકારી સામે અલગ-અલગ કલમ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બંને અધિકારીઓ કોર્પોરેશનમાં રાજ્ય સેવક હોવાથી તેમના વિરૂધ્ધનો કેસ કોર્ટમાં ચાર્જશીટ કરતા અગાઉ સીઆરપીસી કલમ-197 મુજબ કોર્ટમાં ફોજદારી કામ ચલાવવા મંજૂરી માંગવામાં આવે છે. રાજ્ય સેવક હોવાના કારણે મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચના પત્ર અનુસંધાને તેમની વિરૂધ્ધ દાખલ થયેલી ગંભીર ગુના સબબ ફોજદારી કેસ ચલાવવા મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

નવી પેન્શન સ્કિમમાં કોર્પોરેશનનો ફાળો 10 ટકાથી વધારી 14 ટકા કરાશે

રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન સ્કિમમાં સમાવેશ થતા કર્મચારીઓ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 1-એપ્રિલ, 2005થી કોર્પોરેશનમાં નિમણુંક પામેલા કર્મચારીઓનો પણ નવી પેન્શન સ્કિમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓના પેન્શનના લાભોમાં કોર્પોરેશનના ફાળાની ટકાવારી 10 ટકાથી વધારી 14 ટકા કરવાની થાય છે. જેને બહાલી આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરાઇ છે.

કાલે અટલ સરોવર ખાતે મળશે સ્ટેન્ડિંગ

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે એક નવી પ્રણાલી શરૂ કરી છે. જેમાં સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે ખડી સમિતિની બેઠક યોજવાના બદલે શહેરના અલગ-અલગ ફરવા લાયક સ્થળોએ સ્ટેન્ડિંગ બોલાવવામાં આવે છે. અગાઉ રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. દરમિયાન આવતીકાલે સ્માર્ટ સિટી સ્થિત અટલ સરોવર ખાતે બપોરે 1:00 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.