હત્યાના પ્રયાસની ઘટનાનો બદલો લેવા પાનનો ગલ્લો અને બાઇક સળગાવતા પોલીસમાં દોડધામ: વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોમી અથડાણથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો આડે છે ત્યારે ધ્રાંગધ્રાંમાં ક્ષત્રિય અને મુસ્લિમ પરિવાર વચ્ચે બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે ખૂની હુમલો થયા બાદ દુકાન અને બાઇક સળગાવી વળતો હુમલો કરવામાં આવતા કોમી તંગદીલી સર્જાય છે. બંને પરિવાર વચ્ચે ફરી અથડામણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રાંના સોની તલવાડી વિસ્તારમાં પૃથ્વીરાજસિંહ મંગળસિંહ ઝાલા નામના ગરાસિયા યુવાનને બાઇક ચલાવવા બાબતે ફઝલ ફિરોજ પઠાણ, તૌસીફ ઉસ્માન, મહોસીન ઉસ્માન, મહોસીન ઉર્ફે બજારો હાજી, ફેજલની માતા, બેન અને બનેવી સહિતના શખ્સોએ ખૂની હુમલો કર્યો હતો. મુસ્લિમ જૂથ્થ દ્વારા કરાયેલા હુમલામાં પૃથ્વીરાજસિંહ ઝાલા અને એક મહિલા ઘવાયા હતા. પોલીસ મહિલા સહિત છ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.દરમિયાન ગરાસિયા પરિવારના યુવક અને મહિલા પર ખૂની હુમલો થયા બાદ ગણતરીની કલાકોમાં જ ઋતુરાજ સિનેમા પાસે તૌસીફ ઉસ્માન અને મોસીન ઉસ્માનના ગેલેકસી પાન નામની દુકાન અને બાઇક અજાણ્યા શખ્સોએ સળગાવતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
આગ ચાંપી પાનનો ગલ્લો અને બાઇક સળગાવવામાં કોણ સંડોવાયું છે. તે અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરવામાં આવી છે. કેટલાક શખ્સો દ્વારા આગ ચાપવાની ઘટનાનો વીડિયો વાયરલ કરતા ધ્રાંગધ્રાંમાં ખોટી અફવાના કારણે કોમી તનાવ સર્જાયો છે. ચૂંટણી ટાણે જ ધ્રાંગધ્રાં કોમી અથડામણ ન થાય તે માટે પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા છે.