પૂર્વ સરપંચની જમીનમાં મોબાઇલ ટાવરનો કોન્ટ્રાક્ટ પુરો થતા બાકી લેણું વસુલવા થયેલા ઝઘડાનો લોહીયાળ અંજામ
કાકાને બચાવવા વચ્ચે પડેલી ભત્રીજીને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું બંને પક્ષો દ્વારા ઘાતક હથિયાર સાથે હિંસક અથડામણથી કોમી તંગદીલી
જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ વરલ દોડી ગયા: એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતક સગીરાની અંતિમયાત્રા નીકળી: ભારેલો અગ્નિ
સિહોર તાલુકાના વરલ ગામે મોબાઇલ ટાવરનો કોન્ટ્રાકટ પુરો થતા ટાવરનો માલ સામાન લઇ-જવાના પ્રશ્ર્ને પૂર્વ સરપંચ અને તેના જ ગામના મુસ્લિમ શખ્સ વચ્ચે થયેલા ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા મુસ્લિમ શખ્સે છરીથી હુમલો કરવા જતા પોતાના કાકાને બચાવવા વચ્ચે પડેલી સગીર ભત્રીજીની હત્યા થતાં કોમી તંગદીલી સર્જાય હતી. બંને પક્ષના ટોળો ઘાતક હથિયાર સાથે આમને સામને આવી ગયા હતા. અને હિંસક અથડામણ થતાં નાસભાગ મચી ગયો હતો. રોષે ભરાયેલા ટોળા દ્વારા દુકાનો અને મકાનમાં તોડફોડ કર્યાની ભાવનગર જિલ્લા પોલીસ વડાને થતા તેઓ પોલીસ સ્ટાફ સાથે વરલ ગામે દોડી આવ્યા હતા.
પોલીસે વિફરેલા ટોળાને વિખેરી મૃતક તરુણીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસે બંને પક્ષે સામસામે હત્યા અને હત્યાની કોશિષના ગુના નોંધ્યા છે. વરલ ગામમાં પોલીસ અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતક સગીરાની અંતિમ યાત્રા નીકળી છે. વરલ ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવી વિસ્ફોટક સ્થિતી છે. બંને જુથ્થ એક બીજાને ભરી પવા સક્ષમ હોવાથી ગમે ત્યારે ફરી કોમી તનાવ સર્જાય તેવી દહેશત વ્યકત થઇ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકાના વરલ ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઇ માધાભાઇ બારૈયાએ પોતાની ભત્રિજી રાધિકા જગદીશભાઇ બારૈયા નામની 16 વર્ષની તરુણીને છરીના ઘા ઝીંકી અસફર અલ્લારખા, અસિન અહમંદ, અરિફ અલ્લારખા, જુસ્સબ ઉર્ફે ભોપા પાયક, અરમાન હારુન, આદીલ યુનુસ અને ઇરફાન બાબુ નામના શખ્સોએ હત્યા કર્યા અંગેની સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાકાની નજર સામે ભત્રીજીની હત્યા થતા ઉશ્કેરાયેલા લશ્કર બારૈયા અને પરિવારના ચાર શખ્સોએ વળતો હુમલો કરી આરિફ અલ્લારખાને માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આરિફ અલ્લારખાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
વરલ ગામમાં હત્યા અને હત્યાની કોશિષની ઘટના પાછળ વરલ ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઇ બારૈયાની જમીનમાં ટાટા ડોકોમાં મોબાઇલ ટાવર હતો જેનો કોન્ટ્રાક્ટ પુરો થતા મોબાઇલ ટાવરનો માલ સામાન લેવા માટે આરિફ અલ્લારખા ટ્રેકટર લઇને આવ્યો ત્યારે લશ્કરભાઇ બારૈયાએ પોતાની જમીનનું ભાડુ અને કરાર મુજબ લીઝની રકમ લેણી છે. તે આપ્યા બાદ જ ટાવરનો માલ સામાન અડવા દેશે તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો..
આથી આરિફ અલ્લારખા પોતાના સાગરિતો સાથે ઘાતક હથિયાર સાથે લશ્કરભાઇ બારૈાયાના ઘરે હુમલો કરવા ગયા હતા ત્યારે રાધિકા બારૈયા પોતાના કાકાનો જીવ બચાવવા વચ્ચે પડતા તેને ધારદાર છરી લાગી જતા તેણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાળકીના મોતના કારણે ઉશ્કેરાયેલા પૂર્વ સરપંચના પરિવારે વળતો હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ વરલગામમાં થતા બંને સમાજના ટોળે ટોળા ઘાતક હથિયાર સાથે આમને સામને આવી જતા તંગદીલી સર્જાય હતી. વિફરેલા ટોળાએ વરલ ગામમાં કેટલીક દુકાનો અને મકાનમાં તોડફોડ કરતા કોમી તોફાન વધુ વકરે તે પહેલા ભાવનગર જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને સિહોર પોલીસ મથકના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી બેકાબુ ટોળા પર અંકુશ મેળવ્યો છે. બંને પક્ષની ફરિયાદ પરથી હત્યા અને હત્યાની કોસિષ અંગેના ગુના નોંધવ્યા છે.
મૃતક રાધિકા બારૈયાના પોસ્ટમોર્ટમ બાદ સવારે અંતિમ યાત્રા નીકળી ત્યારે પણ ભારેલા અગ્નિી જેવી સ્થિતી હોવાથી વરલ ગામમાં પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.