- રોષે ભરાયેલા ટોળાએ ધાર્મિક સ્થળો, દુકાન અને રેકડીઓમાં તોડફોડ કરતા નાસભાગ: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
- વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કચ્છમાં વિવિધ કાર્યક્રમો પૂર્વે કોમી અથડામણથી પોલીસમાં દોડધામ
- રબારી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શાંતિ જાળવવા અપીલ
- દુધના ધંધાની હરિફાઇના કારણે થયેલી હત્યાના ગુનામાં અને તોડફોડના ગુનામાં સંડોવાયેલા શખ્સોની પોલીસે કરી અટકાયત
પશ્ર્ચિમ કચછના ભૂજ નજીક આવેલા માધાપર ગામે દુધના ધંધાની હરિફાઇના કારણે રબારી યુવાનની મુસ્લિમ શખ્સે કરેલી હત્યાના પગલે કોમી તંગદીલી સર્જાય હતી. ઉશ્કેરાયેલા ટોળાએ માધાપરની મસ્જીદ, દુકાન અને રેકડીમાં તોડફોડ કરતા રબારી અને મુસ્લિમ સમાજના આગેવાનો આમને સામને આવી જતા પરિસ્થિતી વણસી જતાં બોર્ડર રેન્જ આઇજી સહિતના પોલીસ સ્ટાફ માધાપર ખાતે દોડી આવ્યા હતા અને હત્યાના અને તોડફોડના ગુનામાં સંડોવાયેલા બંને જૂથ્થના શખ્સોની અટકાયત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે કચ્છમાં વિવિધ લોકાપર્ણ અને રોડ શોના કાર્યક્રમ પૂર્વે જ કોમી રમખામ થતાં પોલીસમાં દોડધામ મચી ગઇ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ માધાપર ખાતે બોલાવી લેવાયો છે. બીજી તરફ બંને સમાજના આગેવાનો દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભૂજ નજીક આવેલા માધાપર ગામે રહેતા પરેશ રબારી અને કમલેશ રબારી દુધનો ધંધો કરે છે. તેની સાથે ધંધાકીય હરિફાઇના કારણે સુલેમાન શમા સાથેની મિત્રતા અદાવતમાં પરિણ્મી હતી. ગઇકાલે સુલેમાન શમાએ પરેશ રાણા રબારી અને તેના ભાઇ કમલેશ રાણા રબારીને માધાપરની લોહાણા સમાજની વાડી પાસે બોલાવી સમાધાનની ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા સુલેમાન શમાએ બંને ભાઇને છરીના ઘા ઝીંકી દેતા બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ભૂજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન પરેશ રબારીનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પરેશ રબારીની હત્યાના સમાચાર વાયુવેગે પસરી જતા રબારી સમાજના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને જ્યાં સુધી સુલેમાન શમાની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરેશ રબારીની હત્યાના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ માધાપરની મસ્જીદ પર હુમલો કરી લાઇટ અને પંખામાં તોડફોડ કરી હતી. દુકાનો અને રેકડી પર પથ્થરમારો કરી નુકસાન કરતા મુસ્લિમ સમાજ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રબારી અને મુસ્લિમ સમાજ આમને સામને આવી જતાં કોમી તંગદીલી સર્જાય હતી. કચ્છમાં આવતીકાલે જ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિવિધ લોકાપર્ણ અને રોડ શો હોવાથી પોલીસમાં દોડધામ મચી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માધાપર ખાતે બોર્ડર રેન્જ આઇજી અને પશ્ર્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાએ કેમ્પ કર્યો છે. સમગ્ર જિલ્લાની પોલીસને માધાપર ખાતે બંદોબસ્તમાં ગોઠવી દીધી છે. હત્યા અને તોડફોડ અંગે બંને સમાજના શખ્સો સામે ગુના નોંધી અટકાયત કર્યા બાદ પોલીસની સમજાવટથી પરેશ રબારીનો તેના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. માધાપર શાંતિ જાળવવા રબારી સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.