પોલીસ કમિશનર, ડીડીઓ અને એસપી કમિટીમાં રહેશે, કમિટીમાં સભ્ય સચિવ તરીકે અધિક કલેકટરને જવાબદારી સોંપાઈ
હવેથી ખાનગી જમીન પચાવી પાડવાના વિવાદ કલેકટર સમક્ષ પહોંચશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં લાવી ભુમાફિયાઓને ભોભીતર કરી દેવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેની અમલવારીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિટી કાર્યરત થઈ ગઈ છે. પોલીસ કમિશનર, ડીડીઓ અને એસપી આ કમિટીમાં રહેશે. કમિટીમાં સભ્ય સચિવ તરીકે અધિક કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે.
લેન્ડ ગ્રેબિંગ એકટની અમલવારી શરૂ થઈ ગઈ છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટે તેઓના અધ્યક્ષ સ્થાનવાળી કમિટી કાર્યરત થઈ ગઈ છે. જેમાં પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી છે. સાથે અધિક કલેકટર તેમાં સભ્ય સચિવ તરીકે કાર્યરત છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું કે કોઈ પણ અરજદાર તેઓને ભુમાફિયા વિરુદ્ધની ફરિયાદ કરી શકશે. ૧૫ દિવસમાં આ ફરિયાદ બાદ પોલીસ તપાસ થશે. આ તપાસ ડીવાઈએસપી કક્ષાના અધિકારી સંભાળશે. તેઓ તપાસ કર્યા બાદ પુરાવા સાથેનો રિપોર્ટ કમિટીને સોંપશે. બાદમાં ૬ મહિનાની અંદર કોર્ટ આ ફરિયાદનો નિર્ણય જાહેર કરી દેશે. અંતમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું કે અત્યાર સુધી ખાનગી જમીન માલિક પોતાની જમીન હડપ થયાના કિસ્સામાં કલેકટર તંત્રને ફરિયાદ કરી શકતા ન હતા. પણ હવે તેઓ કલેકટર તંત્રને ફરિયાદ કરી શકશે.