વોર્ડમાં સ્થળ મુલાકાત દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં દબાણો જોઇ બેજવાબદાર એપીટી એમ.આર. મકવાણાની તાત્કાલીક અસરથી બદલી કરી દેવાઇ: બ્રિજ સેલના ગૌતમ જોષીને વોર્ડ નં.10, 11 અને 12ના એટીપીની જવાબદારી સોંપાય
કોર્પોરેશનની ટીપી શાખાની શંકાસ્પદ કામગીરીના કારણે શહેરભરમાં ગેરકાયદે દબાણો ખડકાઇ રહ્યા છે. હાલ ચોમાસાની સિઝનમાં ડિમોલીશન ન કરી શકાય તેમ હોય ટીપી શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ વહિવટ કરી લોકોને ગેરકાયદે બાંધકામ ખડકવા માટે જાણે પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મવડી અને વાવડી વિસ્તારમાં બેફામ દબાણો જોઇ ખૂદ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તાત્કાલીક અસરથી કડક કાર્યવાહી કરતા વેસ્ટ ઝોનના એટીપી એમ.આર.મકવાણાની બદલીનો સિંગલ હુકમ કર્યો છે. બ્રિજ સેલમાં જવાબદારી નિભાવી રહેલા ગૌતમ જોષીને વોર્ડ નં.10, 11 અને 12ના એટીપી બનાવી દેવામાં આવ્યા છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા અલગ-અલગ વોર્ડ અને વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. તાજેતરમાં તેઓએ વોર્ડ નં.11 અને 12માં ચાલતા વિવિધ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરવા માટે ગયા હતા. તેઓએ આવાસ યોજના, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના પ્રોજેક્ટોની સમિક્ષા કરી હતી.
આ વિઝિટ દરમિયાન તેઓના ધ્યાને એક વાત આવી હતી કે મવડી અને વાવડી વિસ્તારમાં કોર્પોરેશનના અનેક અનામત પ્લોટ પર ગેરકાયદે દબાણો ખડકાઇ ગયા છે. નવા ઝુપડા પણ બનતા હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટ પર ખડકાતા દબાણો અંગે તેઓએ તપાસ કરતા વોર્ડના એટીપીની બેજવાબદારી પ્રકાશમાં આવી હતી. તેઓએ તાત્કાલીક અસરથી વોર્ડ નં.10, 11 અને 12ના એટીપી એમ.આર.મકવાણાની બદલી કરવાનો સિંગલ ઓર્ડર કરતા સમગ્ર ટીપી શાખામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મકવાણાને વોટર વર્ક્સ પ્રોજેક્ટ શાખામાં મોકલી દેવામાં આવ્યા છે. તેઓના સ્થાને વોર્ડના એટીપી તરીકે હાલ બ્રિજ સેલમાં જવાબદારી નિભાવતા ગૌતમ જોષીને વેસ્ટ ઝોનના પ્રભારી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાવડી અને મવડી વિસ્તારમાં એટીપીની બેદરકારીના કારણે ખડકાઇ ગયેલા દબાણો અંગે મ્યુનિ.કમિશનર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસરને પણ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ટીપી શાખાની કામગીરી શંકાસ્પદ રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોનો રિતસર રાફડો ફાટ્યો છે. ચોમાસાની સિઝનમાં ચાર મહિના ડિમોલીશન કરી શકાતું નથી. જેનો લાભ લઇ ટીપીના કર્મચારીઓ અને અધિકારીઓ જ લોકોને ગેરકાયદે બાંધકામ માટે વહિવટ કરી પ્રોત્સાહિત કરતા હોય તેવું લાગી રહ્યું છે.