પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના વેચાણ પર પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા હાલ ડીલરોને ચૂકવવામાં આવતું કમિશનમાં છેલ્લા ઘણા સમયથી વધારો કરવામાં આવ્યો ન હોય હવે ગુજરાતમાં 4000થી વધુ પેટ્રોલપંપના સંચાલકોએ આંદોલનના મંડાણ કર્યા છે. આગામી 12 ઓગષ્ટથી રાજ્યભરમાં પેટ્રોલ પંપના સંચાલકો દર ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપાડશે નહીં. આ ઉપરાંત બપોરે 1 થી 2 એમ એક કલાક માટે સીએનજીનું વેંચાણ પણ બંધ રાખવામાં આવશે.

12મી ઓગષ્ટથી નો-પરચેઝ આંદોલનનો આરંભ: દર ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નહીં ખરીદે ઉપરાંત બપોરે 1 થી 2 એક કલાક સીએનજીનું વેંચાણ પણ બંધ રાખશે: ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનની બેઠકમાં લેવાયેલો નિર્ણય

પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પર હાલ અપાતુ કમિશન બમણુ કરવાની માગણી

આ અંગે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.ના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા હાલ પ્રતિ લીટર પેટ્રોલના વેચાણ બદલ પેટ્રોલપંપના સંચાલકોને રૂા.3, ડીઝલના વેચાણ બદલ રૂા.2 અને પ્રતિ 1 કિલો સીએનજીના વેચાણ બદલ રૂા.1.50 કમિશન પેટે ચૂકવવામાં આવે છે. કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કમિશનના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

ડીલરો દ્વારા અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કંપની કમિશન વધારવા માટે માત્ર બાહેધરી આપે છે પરંતુ પરિણામલક્ષી કોઈ કામગીરી કરતી નથી. ગત 24મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.ની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાના 128 ડીલરો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં કમિશન વધારાની માંગણીને બુલંદ બનાવવા માટે આગામી 12મી ઓગષ્ટથી દર ગુરૂવારે રાજ્યભરમાં પેટ્રોલપંપના સંચાલકો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપાડવામાં આવશે નહીં. જો કે, આ નિર્ણયથી વાહન ચાલકોએ કોઈ મુશ્કેલી વેઠવી પડશે નહીં કારણ કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહીં ઉપાડવામાં આવે તો પણ પેટ્રોલ પંપ પરથી વેંચાણ ચાલુ રાખવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દર ગુરૂવારે બપોરે 1 થી 2 વાગ્યા સુધી એમ એક કલાક સીએનજીનું વેચાણ બંધ રાખવામાં આવશે. રાજ્યમાં આશરે 4000 જેટલા પેટ્રોલપંપ આવેલા છે. ગુજરાતમાં પ્રતિ મહિને 55 કરોડ લીટર ડીઝલનું વેંચાણ થાય છે. જ્યારે 26 કરોડ લીટર પેટ્રોલનું વેંચાણ થઈ ર્હયું છે.

પેટ્રોલ પર હાલ પ્રતિ લીટર કમિશન પેટે રૂા.3 ચૂકવવામાં આવે છે તે વધારી રૂા.6 કરવા, ડીઝલમાં પણ પ્રતિ લીટર કમિશનનો દર રૂા.2 થી વધારી 4 કરવા અને સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ કમિશનનો દર હાલ જે રૂા.1.50 છે તે વધારીને રૂા.3 કરવાની માંગણી સાથે હવે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો. દ્વારા નો-પરચેઝ પેટ્રોલ-ડીઝલ અને નો-સેલ સીએનજી ફોર વન અવર્સ આંદોલન છેડવામાં આવશે. 12મી ઓગષ્ટથી દર ગુરૂવારે બપોરે 1 કલાક સીએનજીનું વેંચાણ બંધ રહેશે જેની વાહન ચાલકોએ ખાસ નોંધ લેવા પણ તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.