19 કિલોના કોમર્શિયલ ગેસ સિલીન્ડરનો નવો ભાવ રૂ.1773: ઘરેલુ ગેસના ભાવ યથાવત
ગેસ એજન્સીઓ દ્વારા આજે સવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધુ એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. જોેકે ઘરેલુ રાંધણ ગેસના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. આજે કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં રૂ. 83.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. બે માસ પૂર્વ પણ ઘટાડો કરાયો હતો. બે તબકકામાં 150 રૂપીયાથી વધુનો ઘટાડો કરવામાં આવતા ઉપભોકતાઓને મોટી રાહત મળી છે.
ગેસ કંપનીઓ દ્વારા દર મહિનાની 1 લી તારીખે એલપીજી, પીએનજી અને એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવતોહોય છે. આજે 1 જૂને ગેસ એજન્સી દ્વારા 19 કિલોનું વજન ધરાવતા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 83.50નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલ રૂ. 1856.50માં મળતો કોમર્શિયલ ગેસના બાટલાનો ભાવ આજથી રૂ. 1773 કરી દેવામાં આવ્યો છે. જોકે ઘરેલુ એલપીજી ગેસ સિલીન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગેસ કંપનીઓ દ્વારા ઘણા સમયથી માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જ ભાવ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ગૃહિણીઓને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવતી નથી. સીએનજી અને પીએનજીનાં ભાવમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.