- ડિમોલીશનમાં પણ ‘પી..પી..પી..’ મોડેલ?
- તોડફોડ કરનારા વિરોધીઓ સાથેની અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
કરણી સેનાના કાર્યકરોએ રાણા સાંગાને ’દેશદ્રોહી’ ગણાવનારા સપા સાંસદ રામજી લાલ સુમનના આગરાના ઘર પર હુમલો કર્યો હતો. વિરોધીઓએ તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસ અને કરણી સેના વચ્ચે મામલો ઉગ્ર બનતા અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કરણી સેનાના કાર્યકરો બુલડોઝર લઈને સુમનના નિવાસસ્થાને પહોંચ્યા. તેમણે વાહનોમાં તોડફોડ કરી હતી. સરકાર અનેક પ્રોજેક્ટ પીપીપી મોડેલથી ચલાવતી હોય તેમ પીપીપી મોડેલથી ડિમોલીશન કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો આગ્રા ખાતે સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાનો સિલસિલો સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે.
21 માર્ચે રામજી લાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા અને કહ્યું હતું કે હિન્દુઓ તેમના વંશજ છે. આ નિવેદન પછી, તે નિશાના પર છે. દેશમાં ઘણી જગ્યાએ તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ખાસ કરીને રાજપૂત સમુદાયમાં આ અંગે ગુસ્સો છે.મંગળવારે રાજપૂત સંગઠને ભોપાલમાં એસપી ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ સપા પ્રમુખ અખિલેશ યાદવ અને રામજી લાલ સુમનના પુતળાઓનું દહન કર્યું હતું. રાણા સાંગા વિશે પોસ્ટર લગાવવાને લઈને મહાપંચાયત અને સપા કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, ત્યારબાદ પોલીસે તેમને અલગ કરી દીધા હતા.
વિવાદ વધ્યા બાદ રામજી લાલ સુમને કહ્યું કે, મારા નિવેદનથી સમાજના કેટલાક વર્ગોની લાગણીઓને ઠેસ પહોંચી છે. દુ:ખની વાત છે કે મારા નિવેદનથી લોકોને આવો સંદેશ મળ્યો, જોકે મારો લોકોની લાગણીઓ વિરુદ્ધ કામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. મને આ વાતનું દુ:ખ છે. હું બધી જાતિઓ, વર્ગો અને સમુદાયોનો સંપૂર્ણ આદર કરું છું.
રામજી લાલે રાજ્યસભામાં કહ્યું હતું કે ભારતીય મુસ્લિમો બાબરને પોતાનો આદર્શ નથી માનતા. તેઓ પયગંબર મુહમ્મદ અને સૂફી પરંપરાનું પાલન કરે છે. પણ હું પૂછવા માંગુ છું કે બાબરને અહીં કોણ લાવ્યો? રાણા સાંગાએ જ બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા આમંત્રણ આપ્યું હતું. તો, જો મુસ્લિમોને બાબરના વંશજ કહેવામાં આવે છે, તો હિન્દુ દેશદ્રોહીઓ રાણા સાંગાના વંશજ હોવા જોઈએ. આપણે બાબરની ટીકા કરીએ છીએ, પણ રાણા સાંગાની ટીકા કેમ નથી કરતા?
સમાજવાદી પાર્ટીના સાંસદના નિવેદન પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, શું ફક્ત તે લોકો જ ઇતિહાસ જાણે છે જેઓ ઝીણાનો મહિમા કરે છે?આ એ જ લોકો છે જે બાબર, ઔરંગઝેબ અને ઝીણાનો મહિમા કરે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે દેશ, ભારતના વારસા અને ભારતના મહાપુરુષો પ્રત્યે તેમની લાગણીઓ કેવી હશે.સીએમ યોગીએ વધુમાં કહ્યું કે તેમને પાછા ફરવામાં વધુ સમય લાગશે નહીં. આ લોકો મહારાણા પ્રતાપ, રાણા સાંગા, છત્રપતિ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદ સિંહ વિશે શું જાણે છે? જેઓ ઔરંગઝેબ અને બાબરની પૂજા કરે છે અને ઝીણાને પોતાનો આદર્શ માને છે તેમની પાસેથી આ અપેક્ષા રાખી શકાય નહીં.