અબતક-રાજકોટ: ગુજરાત સરકાર માતા અને અને બાળ મરણદર ઘટાડવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી રહી છે. જેમાં 108ની ટીમનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થતો હાઈ છે. અનેક કિસ્સામાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તેમની પ્રસૂતિ કરાવવાની ફરજ પડતી હોય છે. અને કેટલાક કિસ્સામાં ખુબ ગંભીર સ્થિતિમાં માતાની સફળ ડીલેવરી કરી બાળક અને અને માતાના જીવ બચાવવામાં આવે છે.
આવા જ એક કિસ્સામાં કોલીથડ 108ની ટીમ એ સાબિત કર્યુ હતું કે 108 છે તો કોઈ ચિંતા નથી. આ અંગે વિગત આપતા કોઓર્ડીનેટર વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, નોધણચોરા ગામમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગુડીબેનને પ્રસૂતિની પીડા ઉપડતા 108ને કોલ કરી બોલાવી હતી. ઈમરજન્સી મેડિકલ એક્ઝિક્યુટિવ હરેશ બારીયા અને પાયલોટ ખોડીદાસભાઈ તુરંત જ સ્થળ પર પહોંચી દર્દીને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. વાન હોસ્પિટલ પહોંચે તે દરમ્યાન રસ્તામાં ઈ.એમ.ટી. હરેશભાઇને જણાયું કે, ડીલીવરી એમ્બ્યુલન્સમાં જ કરવી પડશે. જેથી રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ ઉભી રાખી ડોક્ટરની ઓનલાઇન મદદથી સફળ ડીલીવરી કરાવી માતા અને બાળક બન્નેના જીવ બચાવ્યા હતાં. માતા અને બાળકને વધુ સારવાર માટે કોલીથડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.