જૂના સંસદભવનનો આકાર ગોળ, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં
તમામ મંત્રાલયો સાથે સંકળાયેલી એડમિનિસ્ટ્રેશન ઓફિસ એક સાથે એક જ સ્થળે આવી જશે
બંને ગૃહોના સંયુક્ત સેશન સમયે લોકસભા હોલમાં ૧,૨૭૨થી વધુ લોકો બેસી શકશે
દિલ્હીમાં નવી સંસદ ભવનનું ક્ધસ્ટ્રક્શન કામ આજથી શરૂ કરવામાં આવશે. અંદાજે ૧૦૦ વર્ષ પછી નવી સંસદ બનવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ પર ૮૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘણાં મહત્વના પ્રોજેક્ટ ડિઝાઈન કરી ચૂકેલા અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે નવા સંસદ ભવનની ડિઝાઈન તૈયાર કરી છે. આ સપ્તાહની શરૂઆતમાં જ ૧૪ સભ્યોવાળી હેરિટેજ પેનલે સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર ૧૧૮ પર બનાવવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ ૧૦ ઇમારત બનાવવામાં આવશે, જેમાં ૫૧ મંત્રાલયોની કચેરીઓ હશે. આખા પ્રોજેક્ટમાં જૂના બિલ્ડિંગની બંને તરફ ટ્રાયેન્ગલ શેપમાં બે બિલ્ડિંગ બનશે. જૂના સંસદભવનનો આકાર ગોળ છે, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે અને એને કારણે નવાં અને જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોઈએ તો એે ડાયમંડ જેવો આકાર લાગશે. વિક્ટરી હાઉસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પાર્લમેન્ટ માટે અત્યાધુનિક સવલતો ઊભી કરવાનો છે. હાલ બંને ઈમારતોનો ઉપયોગ થવાનો છે, પણ ભવિષ્યમાં નવું બિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અત્યારે લોકસભામાં ૫૯૦ લોકો બેસી શકે છે. નવા સંસદમાં ૮૮૮ લોકોને બેસવાની ક્ષમતા હશે અને પબ્લિક ગેલેરીમાં ૩૩૬થી વધુ લોકો બેસી શકશે. રાજ્યસભામાં હાલ ૨૮૦ની સીટિંગ કેપેસિટી છે, જે વધીને ૩૮૪ થશે અને પબ્લિક ગેલેરીમાં ૩૩૬થી વધુ લોકો બેસી શકશે. બંને ગૃહોના સંયુક્ત સેશન સમયે લોકસભા હોલમાં ૧,૨૭૨થી વધુ લોકો બેસી શકશે. સંસદની દરેક મહત્ત્વની કામગીરી માટે અલગ અલગ ઓફિસ હશે. દરેક ઓફિસર અને કર્મચારી માટે હાઈટેક ઓફિસ સુવિધા હશે.