પ્રથમ દિવસે ૧૪ કોપીકેસ થયા : સ્ક્વોડ તથા સીસીટીવી મોનીટરીંગ દ્વારા સતત નિરીક્ષણ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના સામેની તકેદારી સાથે આજરોજ બી.એસ. સી., બી.એડ. એલ.એલ. બી., એમ.એ., એમ. એસ.સી., એમ.કોમ., એલ.એલ.એમ., સહીતની પરીક્ષાના પ્રથમ તબક્કાનો પ્રરંભ કરવામાં આવ્યો હતો. તો પ્રથમ દિવસે ૧૪ કોપી કેસ નોંધાયા હતા.
બે સેશનમાં કુલ પાંચ જિલ્લાના ૮૦ કેન્દ્રો પર લેવાયેલ આજની પરીક્ષામાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓ માંથી ૪૬૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કુલ ૯૭ ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
બીજી બાજુ પરીક્ષાના પ્રથમ દિવસે કેમેસ્ટ્રી તથા અંગ્રેજી વિષયમાં કુલ ૧૪ કોપીકેસ કરવામાં આવ્યા હતા. જેમા સુત્રાપાડા- ગીર ખાતે કુલ ૧૦ કોપી કેસ, કોડીનાર ખાતે ૧ કોપીકેસ તથા વંથલી ખાતે ૩ કોપીકેસ કરવામાં આવ્યા હતા.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર પરીક્ષાના વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. તો વૈશ્વીક મહામારી કોરોના સામેની તકેદારીરૂપે પરીક્ષાના દરેક કેન્દ્રો ઉપર માસ્ક, સેનીટાઈઝરનો ઉપયોગ અને સોશ્યલ ડીસ્ટન્સીગ સહીતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.