- તમામ જિલ્લાની મતદાર યાદી 20 એપ્રિલ સુધી તૈયાર કરી બોર્ડમા જમા કરાવવાની રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની નિમણૂક માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડના સભ્યોની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવાની કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે. 1 જૂન, 2024ની સ્થિતીએ મતદાર યાદી અદ્યતન કરવા માટે બોર્ડ દ્વારા સુચના આપવામાં આવી છે. તમામ જિલ્લાની મતદાર યાદી 20 એપ્રિલ સુધી તૈયાર કરી બોર્ડમા જમા કરાવવાની રહેશે. જ્યારે વાલી મંડળની ચૂંટણી માટેની મતદાર યાદી 10 જુલાઈ સુધીમાં સુપરત કરવાની રહેશે. રાજ્યની 18 હજારથી વધુ સ્કૂલોના 1 લાખ જેટલા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. ચૂંટણીની તારીખ હજુ બોર્ડ દ્વારા જાહેર કરાઈ નથી, પરંત સંભવત સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી આગામી સમયમાં યોજવા માટે બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે. અગાઉ બોર્ડના સભ્યોની સંખ્યા વધુ હતી ત્યારે બોર્ડના સભ્યોની મુદ્દત પણ 3 વર્ષની હતી. પરંતુ ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડના સભ્યોની સંખ્યા ઘટાડીને 9 કરી દીધી છે અને તેમની મુદ્દત પણ એક વર્ષની કરી દેતા દરવર્ષે બોર્ડના સભ્યોની નિમણૂક માટે ચૂંટણીનું આયોજન કરવાનું થાય છે. જેથી હાલના સભ્યોના સ્થાના નવા સભ્યાની નિમણૂક કરવા માટે ચૂંટણીને લઈને બોર્ડ દ્વારા મતદાર યાદી અદ્યતન કરવા માટેની સુચનાઓ આપી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને બોર્ડની ચૂંટણીની મતદાર યાદીને લઈને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં તમામ સ્કૂલોની મતદાર યાદી અદ્યતન બનાવવા માટે સુચના અપાઈ છે. 1 જૂન, 2024ની સ્થિતીએ ફરજ બજાવતા કર્મચારીઓની યાદી બનાવવા માટે જણાવાયું છે. 31 મેના રોજ જે કર્મચારીઓ નિવૃત્ત થવાના છે તેમનો સમાવેશ મતદાર યાદીમાં કરવાનો નથી. નવા નિમણૂક પામેલા કર્મચારીઓનો સમાવેશ મતદાર યાદીમાં કરવાનો રહેશે. 30 જૂન સુધી સ્વૈચ્છિક નિવૃત્ત કે રાજીનામાના કિસ્સામાં કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના રહેશે. તમામ જિલ્લાઓની આ પ્રમાણેની મતદાર યાદી તૈયાર કરીને શિક્ષણ બોર્ડ સમક્ષ જમા કરાવવાની રહેશે. જેમાં વાલી મંડળ સિવાયના બાકીના તમામ 8 સંવર્ગની મતદાર યાદી બોર્ડને 20 એપ્રિલ સુધીમાં મોકલી આપવા માટે સુચના અપાઈ છે.