પરીક્ષાને લઇ તમામ કેન્દ્રો પર બોર્ડ દ્વારા ચાંપતી નજર રખાશે: રાજકોટની 20 સ્કૂલોમાં 9,000થી વધુ વિદ્યાર્થીઓ 11 દિવસ સુધી પરીક્ષાઓ આપશે

અબતક-રાજકોટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચના અંતમાં લેવાનારી ધો.12 સાયન્સની પરીક્ષા પહેલા આજથી ધો.12 વિજ્ઞાન પ્રવાહના પ્રાયોગીક વિષયોની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અગાઉ બોર્ડ દ્વારા આ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, કોરોનાને કારણે સરકાર દ્વારા તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઇ જવાનું નક્કી કરતા હવે આજથી રાજ્યભરમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજકોટમાં અંદાજે 9,000થી વધુ વિદ્યાર્થીઓ 20 જેટલી સ્કૂલોમાં 11 દિવસ સુધી બે સત્ર એટલે કે સવારે 10:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા આપશે.  પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના મહત્વના વિષયોની પ્રાયોગીક પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા જ લેવામાં આવતી હોય છે. આ વખતે કોરોનાને કારણે પરીક્ષાનું થોડી મોંડુ આયોજન કરવામાં આવ્યું છે.

આ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે અને 12 માર્ચે પૂર્ણ થશે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ઓનલાઇન જ અપલોડ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સાયન્સ પ્રાયોગીક પરીક્ષાને લઇ તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્કૂલોમાં ગેરરીતી ન થાય તે માટે બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ ખાસ વોંચ રાખવા માટે ટીમોને સૂચના આપી હોવાનું પણ જાણવા મળે છે. જેથી હવે સાયન્સ પ્રાયોગીક પરીક્ષામાં સ્કૂલો દ્વારા ચલાવવામાં આવતી પોલંપોલ પર બ્રેક લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.